વિમાન ઠીક થયા બાદ કેનેડા જવા રવાના થયા જસ્ટિન ટ્રુડો
જી-20 સમિટના સમાપન બાદ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો રવિવારે જ સ્વદેશ જવા રવાના થવાના હતા, પરંતુ ઉડાન ભરતા પહેલા તપાસ દરમિયાન વિમાનમાં ટેક્નિકલ સમસ્યાને કારણે વિમાનને ઉડાન ભરવાથી રોકી દેવામાં આવ્યું હતું, પરિણામે જસ્ટિન ટ્રુડોને પણ અહીં જ રોકાઇ રહેવું પડ્યું હતું.
હવે જાણવા મળ્યું છે કે જસ્ટિન ટ્રુડો તેમના પ્રતિનિધિ મંડળ સાથે કેનેડા જવા રવાના થઇ ગયા છે. જસ્ટિન ટ્રુડો 9,10 સપ્ટેમ્બરના રોજ જી-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા, પરંતુ તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી આવતા તેમણે બે દિવસ દિલ્હીમાં જ રોકાઇ જવું પડ્યું હતું.
કેનેડાના વડા પ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જસ્ટિન ટ્રુડો અને તેમના પ્રતિનિધિ મંડળને ભારતથી પરત લાવવા માટે બેકઅપ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું છે. જોકે, બેકઅપ પ્લેન ના આવતા તેઓ પ્લેન રિપેર કરાવ્યા બાદ આજે બપોરે એક વાગે કેનેડા જવા રવાના થયા હતા. કેનેડાના વડા પ્રધાન કાર્યાલય દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું કે તકનીકી ખામીને દૂર કરવામાં આવી છે અને વિમાનને ઉડવાની પરવાનગી મળી ગઇ છે.