રખડતા શ્વાન બન્યા જસ્ટિસ વિક્રમ નાથની ઓળખનું કારણ, કહ્યું મને દેશ-વિદેશમાં ઓળખ મળી!

ઓગસ્ટ મહિનામાં રખડતા શ્વાનનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. દિલ્હી મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનને પકડવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને લઈને ડૉગ લવર્સ રોષે ભરાયા હતા. જેથી સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હવે સુપ્રિમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથે રખડતા શ્વાનનો આભાર માન્યો છે.
રખડતા શ્વાનને કારણે મને ઓળખ મળી
કેરળમાં માનવ-વન્યજીવ સંઘર્ષના વધતા પડકારોનો સામનો કરવાના ઉદ્દેશ્યથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપ્રિમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમની સભાને સંબોધતા જસ્ટિસ વિક્રમ નાથે જણાવ્યું હતું કે, “કાનૂની બિરાદરીમાં અત્યાર સુધી મને નાના-મોટા કામ માટે ઓળખવામાં આવતો હતો. પરંતુ હું રખડતા શ્વાનોનો આભારી છું, જેમના કારણે ન માત્ર દેશમાં પરંતુ વિશ્વભરના, સમગ્ર નાગરિક સમાજમાં ઓળખ અપાવી. હું આપણા ચીફ જસ્ટિસનો આભારી છું, જેમણે મને આ કેસ સોંપ્યો હતો.”
લૉ એશિયા પોલ શિખર સમ્મેલનનો ઉલ્લેખ કરતા જસ્ટિસ વિક્રમ નાથે જણાવ્યું કે, “અમે શિખર સંમેલનમાં હતા અને વકીલોના અધ્યક્ષ પણ ત્યાં હાજર હતા. તેમણે રખડતા શ્વાનની બાબતે સવાલ પૂછવાનું શરૂ કર્યું હતું. મને બહુ ખૂશી થઈ કે ભારતની બહાર પણ મને લોકો ઓળખે છે. તેથી મને આ સમ્માન આપવા માટે તેમનો આભારી છું. મને એવો સંદેશ મળી રહ્યો છે કે, ડૉગ લવર્સ સિવાય શ્વાનો પણ મને આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી રહ્યા છે. માણસોના આશીર્વાદ અને શુભેચ્છાઓ સિવાય, તેમની શુભેચ્છાઓ પણ મળી રહી છે.”
રખડતા શ્વાનના કેસમાં જસ્ટિસ વિક્રમ નાથનું યોગદાન
ઉલ્લેખનીય છે કે, રખડતા શ્વાન સાથે સંબંધિત મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 11 ઓગસ્ટે જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચ અને દિલ્હી મહાનગરપાલિકાએ આદેશ આપ્યો હતો કે દરેક વિસ્તારમાંથી રખડતા શ્વાનોને પકડવામાં આવે અને આઠ અઠવાડિયાની અંદર તેમના માટે શેલ્ટર હોમ બનાવવામાં આવે. ડૉગ લવર્સના વિરોધ બાદ જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી ત્રણ જસ્ટિસની ખંડપીઠનું ગઠન કરવામાં આવ્યું હતું. ત્રણ જસ્ટિસની આ ખંડપીઠે 22 ઓગસ્ટના રોજ 11 ઓગસ્ટના આદેશમાં સંશોધન કર્યું હતું.