Waqf Amendment Bill: JPCએ સુધારેલા વક્ફ બિલને મંજૂરી, આવતીકાલે સ્પીકરને સોંપાશે
નવી દિલ્હીઃ વક્ફ (સુધારા) બિલની તપાસ કરી રહેલી સંસદની સંયુક્ત સમિતિ (JPC)એ આજે બહુમતીથી તેના અહેવાલ અને પ્રસ્તાવિત કાયદાના સુધારેલા સંસ્કરણને પસાર કરી દીધું હતું. આ જાણકારી પેનલના અધ્યક્ષ જગદંબિકા પાલે આપી હતી, જ્યારે આવતીકાલે લોકસભાના સ્પીકરને બિલ સોંપવામાં આવશે.
વિપક્ષના સભ્યોએ પસાર થયેલા બિલની આકરી ટીકા કરી હતી. જેને ૧૫-૧૧ મતોથી મંજૂરી આપવામાં આવી હતી. તેમજ આરોપ લગાવ્યો કે આ ‘ગેરબંધારણીય’ છે તથા મુસ્લિમોના ધાર્મિક મામલાઓમાં સરકારી દખલગીરીને મંજૂરી આપવી એ વક્ફ બોર્ડનો નાશ કરશે.
આપણ વાંચો: સંસદના શિયાળુ સત્રમાં વક્ફ બિલ 2024 પસાર થશે નહીં, વિલંબ થવાનું કારણ શું?
જો કે પાલે દાવો કર્યો કે સમિતિ દ્વારા મંજૂર કરાયેલા અનેક સુધારાઓએ વિપક્ષી સભ્યોની ઘણી ચિંતાઓને પણ સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે બિલ પસાર થવાથી વક્ફ બોર્ડને તેની ફરજો પારદર્શક અને વધુ અસરકારક રીતે નિભાવવામાં મદદ મળશે.
તેમણે કહ્યું કે પહેલીવાર ‘પસમાંદા'(પછાત) મુસ્લિમો, ગરીબો, મહિલાઓ અને અનાથોને વક્ફના લાભાર્થીઓમાં સામેલ કરવામાં આવ્યા છે. જે મુસ્લિમો દ્વારા સખાવતી ધાર્મિક હેતુઓ માટે બનાવવામાં આવેલું દાન છે.
આપણ વાંચો: વક્ફ બિલને લઈ જેપીસીમાં બબાલ, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી થયા ઘાયલ
ભાજપના દિગ્ગજ સભ્યએ કહ્યું કે આ રિપોર્ટ ગુરૂવારે લોકોસભા સ્પીકર ઓમ બિરલાને સોંપવામાં આવશે. જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું આ બિલ ૩૧ જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા બજેટ સત્રમાં પસાર કરવામાં આવશે ત્યારે તેમણે કહ્યું કે હવે તેમને અને સંસદે આગળનું પગલું નક્કી કરવાનું છે.
નોંધનીય છે કે ગયા વર્ષે ૮ ઓગસ્ટના રોજ તેની રચના બાદથી સમિતિએ રાષ્ટ્રીય રાજધાનીમાં ૩૮ બેઠકો યોજી હતી. તેમજ તેના નિષ્કર્ષ પર પહોંચવા માટે હિતધારકોની સલાહ લેવા માટે દેશભરનો પ્રવાસ કર્યો હતો. કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી, આપ અને એઆઇએમઆઇએમ સહિતના વિપક્ષી સાંસદોએ પાલની સમિતિની કામગીરી અને બિલના સ્વીકૃત સંસ્કરણની આકરી ટીકા કરી હતી.