ઝારખંડમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી; લોહી ચઢાવ્યા બાદ 5 માસૂમ બાળકો HIV સંક્રમિત

રાંચી: મધ્ય પ્રદેશમાં સરકારી દવાખાનામાં ઝેરી કફ સિરપને કારણે 20થી વધુ બાળકોના મોત થતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે, રાજ્યના તબીબી તંત્ર પર ગંભીર બેદરકારીનાં આરોપ લાગવવામાં આવી રહ્યા છે. એવામાં ઝારખંડના ચાઈબાસા શહેરમાં વધુ એક ગંભીર તબીબી બેદરકારીના અહેવાલ મળ્યા છે, બ્લડ બેંકમાંથી લોહી ચઢાવ્યા બાદ થેલેસેમિયાથી પીડિત પાંચ બાળકોનો HIV રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
શુક્રવારે થેલેસેમિયાથી પીડાતા એક બાળકના પરિવારે આરોપ લગાવ્યો કે ચાઈબાસા સદર હોસ્પિટલની બ્લડ બેંકમાં બાળકને HIV સંક્રમિત લોહી ચઢાવવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં તંત્ર દોડતું થઇ ગયું હતું, તાપસ માટે ઝારખંડ સરકારે તાત્કાલિક એક મેડીકલ ટીમ મોકલી હતી.
વધુ કેસ મળી આવ્યા:
ટીમ દ્વારા કરવામાં આવેલી તાપસમાં થેલેસેમિયાથી પીડિત વધુ ચાર બાળકોનો HIV રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ તમામ બાળકોને એ જ હોસ્પિટલમાં લોહી ચઢાવવામાં આવ્યું હતું. એવી પણ આશંકા છે કે HIV ચેપગ્રસ્ત બાળકોની સંખ્યા વધી શકે છે. આ ગંભીર બેદરકારીને સ્થાનિકોનો રોષ ફેલાયો છે.
બ્લડ બેંકમાં બેદરકારીઓ:
તપાસ ટીમના જણાવ્યા મુજબ હોસ્પિટલની બ્લડ બેંકમાં કેટલીક બેદરકારી જાણમાં આવી છે. બ્લડ બેંકમાં સેમ્પલ ટેસ્ટિંગ, રેકોર્ડ મેન્ટેનન્સ અને સેફટી પ્રોટોકોલના પાલનમાં ખામીઓ જાણમાં આવી છે, જેનો અહેવાલ રાજ્યના આરોગ્ય વિભાગને મોકલવામાં આવ્યો છે.
તપાસ મુજબ થેલેસેમિયાથી પીડાતા બાળકોને ચેપગ્રસ્ત લોહી ચઢાવવામાં આવ્યું હતુ, આ ઉપરાંત ચેપ ગ્રસ્ત સોય સહિત અન્ય સંભવિત પરિબળોની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ બ્લડ બેંકને ઇમરજન્સી ઓપરેશન મોડમાં રાખવામાં આવી છે, હાલ ફક્ત ગંભીર કેસોની જ સારવાર આપવામાં આવી રહી છે.
હાઈકોર્ટે નોંધ લીધી:
બાળકોના પરિવારે જવાબદારો સામે કાર્યવાહી કરવા અને ન્યાય અપાવવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે. સ્થાનિક રાજકીય નેતાઓ પણ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. ઝારખંડ હાઈકોર્ટ પણ આ કેસની નોંધ લીધી છે, કોર્ટે રાજ્યના આરોગ્ય સચિવ અને જિલ્લા સિવિલ સર્જન પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
આ પણ વાંચો…બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચો નહી ઝંપલાવે, કર્યો આ આક્ષેપ



