JDU માં ફૂટ? 11 વિધાનસભ્યોની બંધ બારણે બેઠક…નીતીશ કુમારની દિલ્હી તરફ દોટ

JDU માં ફૂટ? 11 વિધાનસભ્યોની બંધ બારણે બેઠક…નીતીશ કુમારની દિલ્હી તરફ દોટ

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ રણનિતી બનાવી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરુ કરી દીધી છે. જ્યારે જોડ-તોડનું રાજકારણ પણ હવે ચરમ સીમાએ પહોંચી ગયું છે. આખા દેશના રાજકારણમાં રોજ નવી ઉથલ-પાથલ થઇ રહી છે. ત્યારે હવે JDU માં પણ ભૂંકપના પડઘા પડી રહ્યાં છે. JDU ના 11 વિધાનસભ્યોની બંધ બારણે બેઠક યોજાઇ છે. જેમાં એક મોટા નેતા પણ સામેલ હોવાની વિગતો જાણવા મળી છે. આ વાતની નીતીશ કુમારને પણ જાણ થઇ ગઇ છે. ત્યારે હવે ગુરુવારે એટલે કે 28મી ડિસેમ્બર 2023ના રોજ નીતીશ કુમાર દિલ્હી જઇ મોટા નેતાઓને મળી શકે છે. ત્યારે હવે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારનું આગામી પગલું શું હશે તે તરફ બધાનું ધ્યાન છે.

નીતીશ કુમારની વર્કિંગ સ્ટાઇલની વાત કરીએ તો જ્યારે જ્યારે પાર્ટીના નેતાઓ કોઇ બીજા પક્ષ તરફ વળતા દેખાય ત્યારે ત્યારે નીતીશ કુમારે એ નેતાની પાંખો કાપી છે. જ્યારે પાર્ટીમાં આરસીપી સિંહ પર ભાજપ સાથે મીલીભગત હોવાનો આક્ષેપ થયો ત્યારે નીતીશ કુમારે સીધા જ તેમને પક્ષમાંથી કાઢી મૂક્યા હતાં. અને હવે લલન સિંહ આરજેડી તરફ વળશે તેવી ચર્ચાઓ વચ્ચે લલન સિંહને પણ પક્ષમાંથી જાકારો મળે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.

દિલ્હીની બેઠકમાં લલન સિંહ અંગે શું નિર્ણય લેવાશે તે આવનારા થોડા કલાકોમાં જ ખબર પડી જશે. કારણ કે તેમને પક્ષના અધ્યક્ષ પદેથી હટાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે પક્ષના કેટલાંક નેતાઓનું કહેવું છે કે પક્ષના અધ્યક્ષને હટાવવા માટે અથવાતો રાજીનામું આપવા માટે એક પ્રક્રિયા હોય છે. પક્ષના અધ્યક્ષ તરફથી નીતીશ કુમારને પત્ર લખી રાજીનામું આપવામાં આવશે. પણ આ અંગેનો નિર્ણય પક્ષની કાર્યકારણી જ લઇ શકે છે. તેથી નીતીશ કુમારની દિલ્હી તરફની દોટને લલન સિંહને જાકારો આપવા સાથે સરખાવવામાં આવી રહી છે. જોકે આ અંગે JDU દ્વારા દાવો કરવમાં આવી રહ્યો છે કે પક્ષમાં હાલમાં કોઇ ફૂટ પડી નથી.

પાર્ટીમાં ફૂટ પડતી રોકવા માટે નીતીશ કુમાર આજે કોઇ મોટો નિર્ણય લઇ શકે છે. કાર્યકારણી બેઠકમાં પક્ષના નેતાઓનું મત જાણી નીતીશ કુમાર મહાગઠબંધનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લઇ શકે છે. જો નીતીશ કુમાર ફરી પલ્ટી મારવાનું વિચારી રહ્યાં છે તો તેમના માટે એનડીએનો રસ્તો સરળ નથી, સૂત્રોના કહેવા મુજબ એનડીએમાં JDU નું પાછું ફરવું મૂશ્કેલ છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button