કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, ઓપરેશન સિંદૂરને લઈ કહી આ વાત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. દેશમાં હવે ઓપરેશન સિંદૂરને લઈ રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
જેમાં તેમણે ઓપરેશન સિંદૂરનો જશ ખાટી શકાય તે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 મેના રોજ માત્ર એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠક બોલાવી હોવાનો આરોપ લગાવ્યો હતો.
આપણ વાંચો: પાકિસ્તાન વાયુસેનાના નિવૃત્ત અધિકારીએ કર્યો ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને મોટા નુકસાનનો દાવો
પાકિસ્તાન સરકાર ભારત સામે ફેક ન્યૂઝ ફેલાવી રહી છે. તેને લઈ કેન્દ્ર સરકારે ભારતના અલગ અલગ પક્ષોના નેતાઓને વિદેશમાં મોકલીને પાકિસ્તાનની પોલ છતી કરવાનો પ્લાન બનાવ્યો છે. આ અંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસ ચોક્કસ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળનો હિસ્સો બનશે.
આ ઉપરાંત જયરામ રમેશે આરોપ લગાવ્યો કે, પીએમ મોદી અને ભાજપ સતત કોંગ્રેસને બદનામ કરી રહ્યા છે. કોંગ્રેસે પાકિસ્તાન સામે ભારતની સૈન્ય કાર્યવાહી દરમિયાન તમામ રાજકીય પક્ષોને એકતાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાને પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર બે સર્વપક્ષીય બેઠકોની અધ્યક્ષતા કરવાનો ઇનકાર કર્યો છે.
આપણ વાંચો: ભારતીય સેના પર પણ વિશ્વાસ નથી? કોંગ્રેસના ધારાસભ્યએ ઓપરેશન સિંદૂર અંગે માગ્યા પુરાવા
વડાપ્રધાન સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે સહમત નથી થયા, જેની માંગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સામૂહિક ઇચ્છાશક્તિ દર્શાવવા અને 22 ફેબ્રુઆરી, 1994ના રોજ સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર થયેલા પ્રસ્તાવને પુનરાવર્તિત કરવા માટે કરી રહી છે.
જયરામ રમેશે દાવો કર્યો કે વિપક્ષી પાર્ટી તરફથી એકતા અને એકજુટતાનું આહ્વાન કરવામાં આવ્યું હોવા છતાં વડાપ્રધાન અને તેમની પાર્ટી સતત કોંગ્રેસને બદનામ કરી રહી છે. તેમણે કહ્યું, “હવે અચાનક વડાપ્રધાને પાકિસ્તાનથી આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા માટે વિદેશમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય કર્યો છે.
કોંગ્રેસ હંમેશા સર્વોચ્ચ રાષ્ટ્રીય હિતમાં વલણ અપનાવે છે અને ભાજપની જેમ ક્યારેય રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓનું રાજનીતિકરણ કરતી નથી. તેથી, કોંગ્રેસ ચોક્કસપણે આ પ્રતિનિધિમંડળોનો ભાગ બનશે.