RLD: જયંત ચૌધરીને મોટો ફટકો, RLDમાં બળવો, પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાનું રાજીનામું
લખનઉ: લોકસભા ચૂંટણી 2024 દરમિયાન રાષ્ટ્રીય લોક દળ(RLD)એ NDAમાં જોડાવાની જાહેરાત કરી હતી, નવી કેન્દ્ર સરકારમાં RLDના વડા જયંત ચૌધરી(Jayant Chaudhari)ને પ્રધાન પદ પણ મળી ગયું છે, પરંતુ પાર્ટીના ઘણા નેતાઓને આરએલડીના ભાજપ સાથે જોડાવાની વાત પસંદ નથી પડી. RLDના રાષ્ટ્રીય પ્રવક્તા ભૂપેન્દ્ર ચૌધરીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પક્ષમાં નારાજ અન્ય નેતાઓએ પણ બળવો કરે તેવી શક્યતા છે.
ભૂપેન્દ્ર ચૌધરીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા RLD છોડવાની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું, ‘આ વર્ષો દરમિયાન રાષ્ટ્રીય લોકદળના નેતાઓ અને કાર્યકરો દ્વારા આપવામાં આવેલા સ્નેહ, સહકાર અને સન્માન માટે હું તેમનો આભારી રહીશ. ભારે હૃદય સાથે આજે હું રાષ્ટ્રીય લોકદળના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. જય જવાન જય કિસાન.’
જયંત ચૌધરીને નવી સરકારમાં પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેઓ પ્રથમ વખત કેન્દ્રીય પ્રધાન બન્યા છે. તેમને NDA સરકારમાં શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પરંતુ તેમની પાર્ટીના ઘણા નારાજ નેતાઓમાં રોષની લાગણી છે, જે ધીમે ધીમે બહાર આવી રહી છે. સૂત્રોનું માનીએ તો આગામી દિવસોમાં કેટલાક વધુ નારાજ નેતાઓ આરએલડી છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ શકે છે.
આ પણ વાંચો : Maharashtra: લોકસભા ચૂંટણીમાં ભાજપની મહિલા નેતાની હારથી નારાજ સમર્થકો, બીડમાં ચાર યુવકોએ કરી આત્મહત્યા
ઉલ્લેખનીય છે કે RLD અને BJP વચ્ચે ગયા વર્ષે ગઠબંધનની જાહેરાત થઇ હતી. ત્યારબાદ પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ જયંત ચૌધરીએ ભાજપ સાથે જોડાવાના સંકેત આપ્યા હતા. થોડા દિવસો પછી ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. આ ગઠબંધન હેઠળ આરએલડીને બે બેઠકો આપવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ફટકો પડ્યો, જો કે જયંત RLD તેના ક્વોટાની બંને બેઠકો પર જીત મેળવી. હવે યુપીમાં એનડીએ સાથે કુલ ચાર પાર્ટીઓ છે, અપના દળ, સુભાસપ અને નિષાદ પાર્ટી પણ આ ગઠબંધનમાં સામેલ છે.