‘માથું શરમથી ઝૂકી ગયું’ તાલિબાનના મુત્તાકીને ભારતમાં સન્માન મળતા જાવેદ અખ્તર રોષે ભરાયા | મુંબઈ સમાચાર
નેશનલ

‘માથું શરમથી ઝૂકી ગયું’ તાલિબાનના મુત્તાકીને ભારતમાં સન્માન મળતા જાવેદ અખ્તર રોષે ભરાયા

મુંબઈ:અફઘાનીસ્તાનની તાલિબાન સરકારના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી તાજેતરમાં છ દિવસની ભારત મુલાકાતે આવ્યા હતાં. ભારત સરકાર અને કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા મુત્તાકીનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી સંગઠન જાહેર થયેલા તાલીબાનના પ્રતિનિધિની આગતાસ્વાગતા કરવા બદલ સરકાર ટીકા થઇ રહી છે, એવામાં જાણીતા ગીતકાર, પટકથા લેખક અને કવિ જાવેદ અખ્તરે પણ મુત્તાકીને મળેલા સન્માન અંગે નિરાશા વ્યક્ત કરી છે.

જાવેદ અખ્તરે તાલિબાનને “સૌથી ખરાબ આતંકવાદી જૂથ” ગણાવ્યું. જાવેદ અખ્તરે કહ્યું કે તાલીબાનના પ્રતિનિધિને દેશમાં મળેલા સન્માનને જોઈને ખુબ દુઃખ થઇ રહ્યું છે. તેમણે મુત્તાકીનું સ્વાગત કરનારા મુસ્લિમ સંગઠનોની પણ આકરી ટીકા કરી.

માથું શરમથી ઝૂકી જાય છે”

જાવેદ અખ્તરે X પર એક પોસ્ટમાં લખ્યું, “જ્યારે હું વિશ્વના સૌથી ખરાબ આતંકવાદી જૂથ તાલિબાનના પ્રતિનિધિનું આ પ્રકારનું સન્માન અને સ્વાગત થતું જોઉં છું, ત્યારે મારું માથું શરમથી ઝૂકી જાય છે,”
ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં દારુલ ઉલૂમ દેવબંદ ઇસ્લામિક મદરેસાની મુલાકાત દરમિયાન મુત્તાકીના ઉષ્માભર્યા સ્વાગતની પણ જાવેદ અખ્તરે ટીકા કરી.

આપણને શું થઇ રહ્યું છે?

જાવેદ અખ્તરે લખ્યું, “દેવબંદને પણ શરમ આવવી જોઈએ કે તેમણે તેમના “ઇસ્લામિક હીરો” નું આટલું આદરપૂર્વક સ્વાગત કર્યું, જે (અફઘાનીસ્તાનમાં) છોકરીઓના શિક્ષણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકનારાઓમાંનો એક છે. મારા ભારતીય ભાઈઓ અને બહેનો!!! આપણને શું થઇ રહ્યું છે.”

એસ જયશંકર સાથે બેઠક:

2021 માં તાલિબાને અફઘાનિસ્તાનનની સત્તા સંભાળ્યા બાદ પહેલી વાર અફઘાનિસ્તાનના કોઈ નેતાની ભારત મુલાકાત હતી. નવી દિલ્હીમાં મુત્તાકી અને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે રાજ્દ્વારીય સંબંધો સુધારવા ચર્ચા થઇ હતી. ભારત સરકરે અફઘાનિસ્તાને 20 જેટલી એમ્બ્યુલન્સ પણ ભેટમાં આપી હતી.

દેવબંદમાં ઉષ્માભર્યું સ્વાગત:

શનિવારે અમીર ખાન મુત્તાકી દેવબંદ મદરેસાની મુલાકતે પહોંચ્યા હતાં, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુત્તાકીના સ્વાગત માટે 15 અગ્રણી ઉલેમા (ઇસ્લામિક વિદ્વાનો) હાજર રહ્યા હતાં. તેમની મુલાકાત દરમિયાન સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે પણ તેમણે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. મુત્તાકી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો, અને ઘણા વિદ્યાર્થીઓ તેમના સાથીઓ સાથે સેલ્ફી લેવા માટે એકઠા થયા હતા.

આ પણ વાંચો…આ દેશે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપી: આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટો વળાંક!

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button