'ઓપરેશન બ્લુ સ્ટાર એક ભૂલ હતી….' ચિદમ્બરમના નિવેદનથી કોંગ્રેસ ફરી મુશ્કેલમાં
Top Newsનેશનલ

‘ઓપરેશન બ્લુ સ્ટાર એક ભૂલ હતી….’ ચિદમ્બરમના નિવેદનથી કોંગ્રેસ ફરી મુશ્કેલમાં

નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે તાજેતરમાં 26/11 મુંબઈ હુમલા બાદ યુપીએ સરકારે પાકિસ્તાન સામે બદલો ન લેવાનો નિર્ણય કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું, જેના પર વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ટીકા કરી હતી.

એવામાં તેમણે ફરી એક નિવેદન આપ્યું છે જેને કારણે કોંગ્રેસને જવાબ આપવો મુશ્કેલ બની શકે છે. શનિવારે તેમણે કહ્યું કે ઓપરેશન બ્લુ સ્ટાર એક ભૂલ (P Chidambaram about operation Blue Star)હતી, જેની કિંમત પરિણામ તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ જીવ આપીને ચૂકવી.

હિમાચલ પ્રદેશના કસૌલીમાં ખુશવંત સિંહ સાહિત્ય મહોત્સવમાં પત્રકાર હરિન્દર બાવેજાના પુસ્તક “ધે વિલ શૂટ યુ, મેડમ” પરની ચર્ચા દરમિયાન પી. ચિદમ્બરમે કહ્યું “હું કોઈ સૈન્ય અધિકારીનો અનાદર કરતો નથી, પરંતુ જે રીતે ઓપરેશન બ્લુ સ્ટાર હાથ ધરવામાં આવ્યું તે તદ્દન અયોગ્ય હતું. બ્લુ સ્ટાર ખોટી રીતે હાથ ધરવામાં આવ્યું હતું. મારું માનવું છે કે ઈન્દિરા ગાંધીએ એ ભૂલની કિંમત પોતાનો જીવ આપી ચૂકવી હતી.”

બીજા રસ્તાઓ હતાં:
પી. ચિદમ્બરમે એમ પણ કહ્યું કે ઓપરેશન બ્લુ સ્ટાર સેના, પોલીસ, ગુપ્તચર અને સિવિલ સર્વિસે સાથે મળી લીધેલો નિર્ણય હતો. આ માટે ફક્ત ઈન્દિરા ગાંધીને દોષી ઠેરવી શકાય નહીં. ત્રણથી ચાર વર્ષ બાદ, અમે સૈન્યને સામેલ કર્યા વગર સુવર્ણ મંદિર ખાલી કરાવવાનો યોગ્ય રસ્તો બતાવ્યો. આતંકવાદીઓને પકડવાના બીજા રસ્તાઓ હતાં.

jarnail singh bhindranwale operation blue star

શું હતું ઓપરેશન બ્લુ સ્ટાર:
ઓપરેશન બ્લુ સ્ટાર 1 જૂનથી 6 જૂન, 1984 દરમિયાન પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં હાથ ધરવામાં આવ્યું હતું. ખાલિસ્તાન અલગતાવાદી આગેવાન જર્નૈલ સિંહ ભિંડરાંવાલેએ તેના સાથીઓ સાથે મળીને સુવર્ણ મંદિર કબજે કરી લીધું હતું અને 1500થી વધુ લોકોને બંધક બનાવ્યા હતાં. આતંકવાદીઓએ ત્યાંથી તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકારને પડકાર ફેંક્યો હતો. અલગતાવાદીઓને સુવર્ણ મંદિરમાંથી બહાર કાઢવા માટે બ્લુ સ્ટાર મીલીટરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

6 જૂનના રોજ ભારતીય સેનાએ આતંકવાદીઓને ઠાર કરીને સુવર્ણ મંદિર ફરી કબજે કર્યું જતું, આ ઓપરેશન દરમિયાન મંદિરને નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન આતંકવાદીઓ અને નાગરીકો મળીને 493 લોકો માર્યા ગયા હતાં, જયારે ભારતીય સેનાના 83 જવાનો શહીદ થયા હતાં. આ ઓપરેશનને કારણે શીખ સમુદાયના કેટલાક લોકો નારાજ થયા હતાં. થોડા મહિનાઓ બાદ ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી..

ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હી અને પંજાબના કેટલાક વિસ્તારોમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતાં જેમાં 3000 લોકોના મોત નિપજ્યા હતાં. કોંગ્રેસના અનેક નેતાઓ પર આ હિંસાને ભડકાવવાની શંકા હતી.

આ પણ વાંચો…‘આંતરરાષ્ટ્રીય દબાણને કારણે અમે 26/11 પછી બદલો ન લીધો’, ચિદમ્બરમના ખુલાસા બાદ ખળભળાટ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button