
નવી દિલ્હી: દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામા સોમવારે સુરક્ષાબળોએ એક આઈઈડીને સમયસર શોધીને નિષ્ક્રિય કરી આતંકીઓના હુમલાને નિષ્ફળ કરવામાં સફળતા મળી છે. આ ઘટના હેફ વિસ્તારમાં બની, જ્યાં આતંકીઓએ સુરક્ષાબળોને નિશાન બનાવવાની યોજના બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ રોડથી વારંવાર સુરક્ષાબળોના વાહનો પસાર થાય છે.
આતંકીઓએ હેફ વિસ્તારમાં રોડ કિનારે આઈઈડી મૂક્યો હતો, પરંતુ સુરક્ષાબળોની રોડ ઓપનિંગ કરતા પહેલા તેને સમયસર શોધી કાઢ્યો હતો. આઈઈડી મળતા જ વિસ્તારમાં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવ્યું. તેમણે નિયંત્રિત વિસ્ફોટ દ્વારા આઈઈડીને નષ્ટ કરી દીધો, જેથી કોઈ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
આઈઈડી નિષ્ક્રિય કર્યા પછી સુરક્ષાબળોએ આખા વિસ્તારની સઘન તપાસ કરી હતી, જોકે અન્ય કોઈ વિસ્ફોટક મળ્યા નથી. ત્યારબાદ રોડને સુરક્ષિત જાહેર કરીને ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યો હતો. આ ઘટનાએ સુરક્ષાબળોની સતર્કતા અને ત્વરિત કાર્યવાહી ઉજાગર થાય છે, જેણે આતંકીઓના નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવ્યો.
કાશ્મીરમાં આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે, જ્યાં આતંકીઓ સુરક્ષાબળોને નુકસાન પહોંચાડવા માટે આઈઈડી અને અન્ય વિસ્ફોટકોનો ઉપયોગ થાય છે. સુરક્ષાબળોની સમય સૂચકતા અને ટેક્નોલોજીના ઉપયોગથી આવા હુમલાઓને રોકવામાં સફતા મળે છે. આ ઘટના પછી વિસ્તારમાં વધુ સુરક્ષા વધારવામાં આવી છે અને તપાસ ચાલુ છે.