નેશનલ

જમ્મુ કાશ્મીરમાં જોવા મળ્યા ચાર શંકાસ્પદ યુવાન , સેનાએ કઠુઆ રાજૌરી અને પૂંછ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો જમ્મુ અને કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખી રહ્યા છે. કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

કઠુઆના ચન્ની વિસ્તારમાં એક મહિલાએ ચાર શંકાસ્પદોને નિહાળ્યા બાદ પોલીસને જાણ કરી હતી. જેના પગલે સુરક્ષા દળો તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયા.

આપણ વાંચો: પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને આકરી સજા આપો: આરએસએસ…

ઉધમપુર, રાજૌરી સહિત આ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

આ ઉપરાંત સુરક્ષા દળો જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના જંગલ વિસ્તારોમાં ત્રણ ફરાર આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. કિશ્તવાડ, કઠુઆ, રાજૌરી અને પૂંછના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મીડિયા અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે દુડ્ડુ-બસંતગઢમાં સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ના વિશેષ દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા હવાઈ દેખરેખ રાખવામાં આવી રહી છે.

આપણ વાંચો: પહેલગામ આતંકવાદી હુમલાના પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ, મંદિરોની સુરક્ષામાં કરાયો વધારો

આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો

ઉધમપુરના ડુડુ-બસંતગઢ વિસ્તારમાં ગુરુવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મી સ્પેશિયલ ફોર્સનો એક જવાન શહીદ થયો હતો. આ સૈનિકની ઓળખ સ્પેશિયલ ફોર્સના 6 પેરાના હવાલદાર ઝંટુ અલી શેખ તરીકે થઈ છે.

કિશ્તવાડના ચતરુ વિસ્તાર, રાજૌરી જિલ્લાના ત્રિયથ વિસ્તાર, કઠુઆ જિલ્લાના લખનપુરની આસપાસના વિસ્તારોમાં અને પૂંછ જિલ્લાના લસાણામાં શોધખોળ ચાલી રહી છે.

સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ

શુક્રવારે ડોડામાં વિભાગીય કમિશનર રમેશ કુમાર અને પોલીસ મહાનિરીક્ષક ભીમ સેન તુતીની અધ્યક્ષતામાં એક સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિસ્તારની સુરક્ષા પરિસ્થિતિ અને કામગીરી માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button