ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નિવૃત્તિની યોજના અંગે મોટી જાહેરાત કરી, જાણો શું કહ્યું…

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નિવૃત્તિની યોજના અંગે મહત્ત્વની વાત કર્યા પછી આજે ઉપરાષ્ટ્રપતિએ પણ નિવૃત્તિ અંગે મોટી વાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુરુવારે કહ્યું હતું કે જો ભગવાનની કૃપા રહેશે તો તેઓ ઓગસ્ટ 2027માં નિવૃત્ત થશે. તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
તેમણે હળવા અંદાજમાં કહ્યું હતું કે, ‘જો ભગવાનની કૃપા રહેશે તો હું સમયસર ઓગસ્ટ 2027માં નિવૃત્ત થઈ જશે.’ 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ધનખડનો પાંચ વર્ષનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027ના રોજ સમાપ્ત થશે.
વ્યવસાયે વકીલ ધનખડ, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન દ્ધારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. સભાને સંબોધતા ધનખડે કહ્યું હતું કે વૈશ્વિક શક્તિ તરીકે ભારતના ઉદયની સાથે તેની બૌદ્ધિક અને સાંસ્કૃતિક ગરિમાનો પણ વિકાસ થવો જોઈએ.
તેમણે કહ્યું હતું કે કોઇ રાષ્ટ્રની શક્તિ તેના વિચારોની મૌલિકતા અને મૂલ્યોની શાશ્વતતામાં રહેલી છે. સ્વદેશી દ્રષ્ટિકોણને “પ્રાચીન ભૂતકાળના અવશેષ” તરીકે નકારી કાઢવામાં આવ્યા હતા અને સ્વતંત્રતા પછી પણ પસંદગીની યાદો યથાવત રહી હતી. પશ્ચિમી સિદ્ધાંતોને સાર્વત્રિક સત્ય તરીકે “પ્રચાર” કરવામાં આવ્યા હતા. આ લુપ્તતા અને વિનાશનું પ્રતિક હતું.