બદનક્ષી હવે ગુનો નહીં ગણાય? સુપ્રીમ કોર્ટે આ કેસમાં કરી મહત્વની ટીપ્પણી

નવી દિલ્હી: બદનક્ષી કાયદાઓનો દુરુપયોગ થવાના આરોપો આવારનવાર લાગતા રહે છે, આ કાયદાઓ વાણી સ્વતંત્રતાને નુકશાન પહોંચાડતા હોવાથી આ કાયદા રદ કરવાની માંગ પણ અવારનવાર ઉઠી છે. એમાં સોમાવારે સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન ખુબ જ મહત્વની ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બદનક્ષીને બિન-ગુનાહિત જાહેર કરવાનો સમય આવી ગયો છે.
નોંધનીય છે કે વર્ષ 2016 માં સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદામાં ફોજદારી બદનક્ષી કાયદાઓની બંધારણીયરીતે યોગ્ય ઠેરવ્યા હતાં, ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રતિષ્ઠાનો અધિકાર (રાઈટ ટૂ રેપ્યુટેશન) બંધારણની કલમ 21 હેઠળ જીવનના મૂળભૂત અધિકાર હેઠળ આવે છે. એ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન પીનલ કોડ (IPC) ની કલમ 499 ને યોગ્ય ઠેરવી હતી, હવે આ કલમનું સ્થાન ભારતીય ન્યાય સંહિતાની કલમ 356એ લીધું છે.
શું છે કેસ?
વર્ષ 2016માં એક લેખમાં ઓનલાઈન ન્યુઝ પોર્ટલ ધ વાયરે આરોપ લાગાવ્યો હતો કે “જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી: ધ ડેન ઓફ સેસેસિયનિઝમ એન્ડ ટેરરિઝમ” નામના 200 પાનાનું વિવાદાસ્પદ ડોઝિયર બનાવવામાં યુનિવર્સિટીના પ્રોફેસરની સંડોવણી છે. આ લેખ બદલ JNUના પ્રોસેફરે ધ વાયર અને તેના રિપોર્ટર વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં મેજિસ્ટ્રેટ દ્વારા ધ વાયરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેને દિલ્હી હાઈ કોર્ટે મંજુરી આપી હતી, દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી.
આજે સુપ્રીમ કોર્ટેના ન્યાયાધીશ એમએમ સુંદરેશે અવલોકન કર્યું, “મને લાગે છે કે આને બિન-ગુનાહિત (decriminalize) જાહેર કરવાનો સમય આવી ગયો છે…”
ધ વાયર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ વકીલ કપિલ સિબ્બલે કોર્ટના અવલોકન સાથે સંમતિ દર્શાવી હતી અને કાયદામાં સુધારાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
વર્ષ 2016 માં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ ભારત સંઘ કેસમાં, સુપ્રીમ કોર્ટે ફોજદારી માનહાનિના કાયદા બંધારણીય હોવાનું અવલોકન કર્યું હતું. કોર્ટે કહ્યું હતું કે આ કાયદાઓ કલમ 19 હેઠળ મળેલી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વાજબી નિયંત્રણ મુકે છે અને આ કાયદાઓ જીવન જીવવાના અધિકારનું મૂળભૂત પાસું છે.