ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ કરી પીએમ મોદી સાથે ફોન પર વાત, આ દેશના વડાઓએ પણ હુમલાની નિંદા કરી

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મોત થયા છે. આ હુમલા બાદથી સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે. જ્યારે વિશ્વભરના દેશો પણ આતંકી હુમલાથી સ્તબ્ધ છે.
આ દરમિયાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન પણ વાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે બેન્જામિન નેતન્યાહૂએ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે ભારતના લોકો અને પીડિતોના પરિવારો સાથે એકતા વ્યક્ત કરી. આ દરમિયાન, પીએમ મોદીએ બેન્જામિન નેતન્યાહૂ સાથે આતંકવાદી હુમલાની બર્બરતા અંગે વાત કરી અને હુમલાખોરો અને તેમના સમર્થકોને ન્યાયના કઠગરામાં લાવવાના ભારતના સંકલ્પને દોહરાવ્યો હતો.
આપણ વાંચો: પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને આકરી સજા આપો: આરએસએસ…
નિર્દોષ લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે જોર્ડનના રાજા અબ્દુલ્લાએ પણ પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરીને આ ભયાનક આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. તેમણે નિર્દોષ લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું કે આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં નકારી કાઢવો જોઈએ અને તેનું કોઈ સમર્થન ન હોઈ શકે.
પ્રધાનમંત્રીએ રાજા અબ્દુલ્લાનો તેમના એકતાના સંદેશ બદલ આભાર માન્યો અને આ જઘન્ય હુમલા પાછળના ગુનેગારો અને વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી માટે ભારતના લોકોની લાગણીથી અવગત કરાયા હતા.
આપણ વાંચો: Pahalgam Terror Attack: આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત, હિંદુઓ ટાર્ગેટ પર
સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે મોરેશિયસના વડા પ્રધાન ડૉ. નવીમ રામગોલમ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરીને આ હુમલામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારત સરકાર દ્વારા આજે એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. જેમાં તમામ પક્ષોના નેતાઓ ભાગ લેવા પહોંચ્યા છે.