110 ભારતીયો ઈરાનથી આર્મેનિયા સરહદેથી ભારત આવવા રવાના…

નવી દિલ્હી: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષને આજે છ દિવસ થઈ ચૂક્યા છે. આ યુદ્ધ દિવસે દિવસે વધી રહ્યું છે. આ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતે ઈરાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે રેસ્ક્યૂ મિશન શરૂ કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયલમાં રહેતા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે, જેથી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધારી છે.
સોમવારે મોડી રાતથી મંગળવારે સવાર સુધી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભિષણ મિસાઈલ હુમલાઓ થયા. આ દરમિયાન ભારતે તાત્કાલિક પગલાં લેતા 110 ભારતીયોનો પ્રથમ જૂથ ઈરાનથી આર્મેનિયાના રસ્તેથી પરત ભારત લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેતા ભારતીયોને તહેરાન છોડીને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપી છે. ભારતીય દૂતાવાસ દ્વારા તમામ સંભવિત સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આ યુદ્ધની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેનેડામાં યોજાયેલા G7 શિખર સંમેલનમાં નેતાઓએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું. આ નિવેદનમાં મધ્ય પૂર્વના સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી અને ઈરાનને તણાવ ઘટાડવાની અપીલ કરવામાં આવી. G7 નેતાઓએ ઈઝરાયલના આત્મરક્ષણના અધિકારને સમર્થન આપ્યું, પરંતુ સાથે જ ઈરાનને પરમાણુ હથિયારો ન બનાવવાની ચેતવણી પણ આપી. આ ઉપરાંત, G7 દેશોએ શાંતિ અને સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું કે, તહેરાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને દૂતાવાસની વ્યવસ્થા દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારત આગળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ એડવાઈઝરી જાહેર કરશે. ભારત સરકારે આ મુશ્કેલ સમયમાં પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.
આપણ વાંચો : ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઈન નંબરો જાહેર…