અમદાવાદને મળશે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની! IOA એ બિડને સત્તાવાર મંજૂરી આપી | મુંબઈ સમાચાર

અમદાવાદને મળશે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની! IOA એ બિડને સત્તાવાર મંજૂરી આપી

નવી દિલ્હી: ઓલમ્પિક 2036નું આયોજન અમદાવાદમાં કરવામાં આવે માટે ભારત કેન્દ્ર સરકાર સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, જેના માટે બિડ પર સબમિટ કરવામાં આવી છે. એ પહેલા વર્ષ 2030 દરમિયાન અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ(CWG)નું આયોજન થાય એ માટે પ્રયત્નો થઇ રહ્યા છે. અમદાવાદમાં CWGના આયોજન માટેની બિડને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન(IOA)એ તેની સ્પેશિયલ જનરલ મીટીંગ (SGM) દરમિયાન સત્તાવાર મંજૂરી આપી છે.

અમદાવાદમાં CWG 2030ની યજમાની માટે ભારત આગાઉ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ રજુ કરી ચુક્યું છે, હવે 31 ઓગસ્ટની ડેડલાઈન પહેલાં ભારત સરકારે અંતિમ બિડ સબમિટ કરવી પડશે. કેનેડા રેસમાંથી ખસી ગયા પછી, ભારતને CWG 2030ની યજમાની મળે એવી શક્યતાઓ વધી ગઈ છે.

કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વર્ષ 2030 CWGની યજમાની ક્યા દેશને મળશે એ અંગે નિર્ણય લેશે.

આ શહેરો પણ રેસમાં:

IOA પ્રેસીડેન્ટ પીટી ઉષાએ જણાવ્યું હતું કે, અમદાવાદની સાથે, દિલ્હી અને ભુવનેશ્વરનો પણ વિચાર કરવામાં આવશે. IOAની SGM બાદ પીટી ઉષાએ કહ્યું, “મને ખુશી છે કે સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે અને અમારી તૈયારીઓ આગળ વધશે. અમે એવું ના કહી શકીએ કે અમદાવાદ યજમાન શહેર રહેશે કે નહીં. ભુવનેશ્વર અને દિલ્હીમાં પણ સારી સુવિધાઓ છે.”

પીટી ઉષાએ કહ્યું, “કેટલાક કારણોસર 2026 ગ્લાસગો CWG નો સ્કેલ ઘટાડવામાં આવ્યો છે. જો આપણને 2030 CWG ની યજમાની મળે, તો ગેમ્સ સંપૂર્ણ રીતે યોજાશે,”

કોમનવેલ્થ સ્પોર્ટના અધિકારીઓની અમદાવાદ મુલાકાત:

નોંધનીય છે કે કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ઓફ ગેમ્સ ડેરેન હોલના નેતૃત્વમાં એક ટીમ તાજેતરમાં અમદાવાદની મુલાકાતે આવી હતી અને કેટલાક સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. ટીમના સભ્યો ગુજરાત સરકારના અધિકારીઓને પણ મળ્યા હતાં. આ મહિનાના અંતમાં કોમનવેલ્થ સ્પોર્ટનું વધુ એક પ્રતિનિધિમંડળ અમદાવાદની મુલાકાત લે તેવી શક્યતા છે.

અગાઉ ભારતમાં વર્ષ 2010માં CWGનું આયોજન કરવામાં આવ્યું હતું, દિલ્હીમાં યોજાયેલી CWG ગેમ્સ ભ્રષ્ટાચાર અને કૌભાંડોને કારણે ચર્ચામાં રહી. હવે ત્રીસ વર્ષ બાદ દેશમાં CWGના આયોજન માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આપણ વાંચો:  વેસ્ટ ઇન્ડિઝ પાંચ પાકિસ્તાનીને ઝીરોમાં આઉટ કરીને 34 વર્ષે જીત્યું સિરીઝ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button