નેશનલ

આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસઃ પતિ-પત્નીના ઝગડા વધ્યા, મુદ્દાઓ બદલાયા, અભયમ પર ફરિયાદોનો વરસાદ

મહિલા હેલ્પલાઇન અભયમ દ્વારા કરવામાં આવેલા કાઉન્સેલિંગમાં 1.08 લાખ કેસમાં સમાધાન કરવામાં આવ્યું

અમદાવાદઃ આજે 15મી મે, એટલે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. પરંતુ શું અત્યારે પરિવારનું મહત્વ એટલું છે ખરા? વર્ષો પહેલા લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતાં, તેમ છતાં પણ પરિવાર સુખ અને શાંતિ હતી. જ્યારે અત્યારે તો લોકો એકલા રહેવા લાગ્યાં છે, છતાં ઝઘડાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતની વાત કરવામાં આવે તો, છેલ્લા 2 વર્ષમાં 1.10 લાખ કોલ મહિલા હેલ્પલાઇન અભયમને મળ્યાં છે. આમાં માત્ર પારિવારિક ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા 2 વર્ષમાં અભયમને 1.10 લાખ કોલ મળ્યાં

લોકોમાં સંયમ અને સહનશક્તિ સતત ઘટી રહી છે. હવે લોકોને પોતાની નોકરીના હોદ્દા મામલે ઈગો આવ્યો છે, જેના કારણે પતિ અને પત્ની વચ્ચે બબાલો વધી છે. આમાં મુખ્ય કારણે એકબીજાને સમય ના આપવો, વારંવાર પોતાના નોકરીને પ્રાધાન્ય આપવું, બિનજરૂરી ખર્ચા અને સ્વામીત્વના કારણે ઝઘડા થઈ રહ્યાં છે. આંકડાની વાત કરવામાં આવે તો, છેલ્લે બે વર્ષમાં અભયમની ટીમને પારિવારિક ઝઘડાના અમદાવાદમાં 20,347 કોલ, સુરતમાં 9319 કોલ, વડોદરામાં 9030 કોલ, રાજકોટમાં 8789 કોલ, કચ્છમાં 5333 કોલ અને બનાસકાંઠામાં 3610 કોલ મળ્યાં હતા.

કાઉન્સેલિંગમાં 1.08 લાખ કેસમાં સમાધાન કરવામાં આવ્યું

અભયની ટીમે દરેકના ઘરે જઈને કાઉન્સેલિંગ કર્યું હતું. અભયમ દ્વારા કરવામાં આવેલા કાઉન્સેલિંગમાં 1.08 લાખ કેસમાં સમાધાન કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીના બે હજાર કેસમાં પતિ-પત્ની એકબીજાથી અલગ થવા માંગતા હોવાથી મામલો કોર્ટ સુધી પહોચ્યો છે. આવામાં પરિવારમાં ક્યાંથી સુખ અને શાંતિ સ્થપાશે? ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરોમાં રહેતા લોકોમાં ઝઘડાઓ વધી રહ્યાં છે. કારણ કે, અહીં સંયુક્ત કુટુંબમાં રહેવાનું ચલણ ખૂબ જ નહિવત છે. એકલા રહેતા હોવાથી પતિ-પત્નીમાં ઈગો, સર્વત્વ, વર્ચસ્વ અને સ્વામીત્વની ભાવનાઓ વધવા લાગી છે. એટલું જ નહીં પરંતુ બિનજરૂરી ખર્ચના કારણે પણ ઝઘડો થયા છે અને વાત છુટાછેડા સુધી પહોંચી જાય છે. આવા કેસમાં મનોચિકિત્સકની સલાહ લેવાનું રાખવું જોઈએ.

1993થી આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની શરૂઆત થઈ

આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. આ દિવસની વાત કરવામાં આવે તો, 1993ની સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીએ A/RES/47/237 પ્રસ્તાવ સાથે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે જુદા-જુદા વિષયો આધારિત આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button