સ્વચ્છ શહેરને લાગ્યું ‘કલંક’: દૂષિત પાણીએ 10 વર્ષની માનતા બાદ જન્મેલા માસૂમનો ભોગ લીધો…

ઇન્દોરઃ ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે 10 વર્ષ બાદ પેદા થયેલા છ મહિનાના બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. મરાઠી મોહલ્લામા રહેલા સાહુ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારમાં દસ વર્ષની પ્રાર્થના, તબીબી સારવાર અને માનતાઓ પછી બાળકનો જન્મ થયો હતો. ગયા અઠવાડિયે બાળક અવ્યાન જેને પરિવાર ચમત્કારિક બાળક માનતો હતો જેને આપવામાં આવતા દૂધને પાતળું કરવા માટે તેમાં નળનું પાણી ઉમેરવામાં આવ્યું હતું, જેના મોતનું કારણ બન્યું હતું. નવજાત અવ્યાન ઇન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં પ્રદૂષિત પાણીનો શિકાર બનેલો સૌથી નાનો પીડિત છે. આ દુર્ઘટનાએ ભારતના “સૌથી સ્વચ્છ શહેર”ને શોકના સ્થળમાં ફેરવી દીધું હતું.
મીડિયા સાથે વાત કરતા અવ્યાનના દાદી કૃષ્ણા સાહુએ કહ્યું હતું કે અમે રાજ્ય સરકાર પાસેથી અત્યાર સુધી કોઈ વળતર લીધું નથી. અમારું બાળક ગયું છે. શું વળતર તેને પાછું જીવિત કરશે? પૈસા બાળક કરતાં મોટા નથી.”પરિવારના જણાવ્યા મુજબ, અવ્યાનનું 29 ડિસેમ્બરે મૃત્યુ થયું હતું. રહેવાસીઓનો દાવો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ભગીરથપુરામાં દૂષિત પીવાના પાણીને કારણે ઝાડા-ઉલ્ટી થવાથી 15 લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે, આરોગ્ય વિભાગે આ દાવાની પુષ્ટી કરી નથી અને કહ્યું છે કે ફક્ત ચાર મૃત્યુ થયા છે.
સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રડતા રડતા તેમણે કહ્યું હતું કે “આખા પરિવારે અવ્યાનના જન્મ માટે પ્રાર્થના કરી અને હુસૈન ટેકરી દરગાહ પર માનતા માની હતી. અમારી પ્રાર્થનાનો જવાબ મળ્યો, પરંતુ મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે બાળક આટલી જલદી અમને છોડીને જશે.
કૃષ્ણા સાહુએ કહ્યું કે બાળક સ્વસ્થ હતું અને તેનું વજન પાંચ કિલો હતું. તે તેની માતાના ખોળામાં રમી રહ્યો હતો. એક દિવસ તેને અચાનક ઝાડા થવા લાગ્યા અને ડૉક્ટરની સલાહ પર અમે ઘરે દવાઓ શરૂ કરી. જોકે, તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.” અપૂરતા માતાના દૂધના કારણે બાળકને પેકેજ્ડ દૂધ અને મ્યુનિસિપલ નળના પાણીમાં ભેળવીને પાવડર પીવડાવવામાં આવ્યો હતો.
સાહુએ આરોપ લગાવ્યો કે પાણી દૂષિત હતું અને બાળક માટે જીવલેણ સાબિત થયું. એક પાડોશી અનિતા સેને કહ્યું હતું કે મારા ઘરમાં એક મહિનાની છોકરી, એક ચાર વર્ષની અને એક 10 વર્ષની બાળકી છે. હવે સરકારે ખાતરી કરવી જોઈએ કે દૂષિત પાણીને કારણે કોઈ માતા તેના બાળકને ગુમાવશે નહીં. છેલ્લા નવ દિવસમાં ભગીરથપુરામાં 1,400થી વધુ લોકો ઉલટી અને ઝાડાની અસર થઈ છે.
આ પણ વાંચો…ઈન્દોરમાં દૂષિત પાણીનો કહેર: મૃત્યુઆંક વધ્યો, હજુ 32 જણ આઈસીયુમાં
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર સુધીમાં વિસ્તારની હોસ્પિટલોમાં 272 દર્દીઓ દાખલ થયા હતા, જેમાંથી 71 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલમાં હોસ્પિટલમાં દાખલ ઓછામાં ઓછા 32 દર્દીઓ સારવાર હેઠળ છે.



