પશ્ચિમ બંગાળમાં ધોળા દિવસે અધાધૂંધ ગોળીબાર- કોંગ્રેસ નેતા ઠાર
પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક શેખ સૈફુદ્દીનના પુત્રએ તૃણમૂલ કોંગ્રેસના એક નેતા પર હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
પશ્ચિમ બંગાળના માલદામાં રવિવારે સવારે કેટલાક બદમાશોએ કોંગ્રેસના એક નેતાની હત્યા કરી નાખી. આ બનાવથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટના માણેકચકના ધરમપુર સ્ટેન્ડ પાસે આવેલી માર્કેટની હોવાનું જાણવા મળી રહ્યું છે.
મૃતકનું નામ શેખ સૈફુદ્દીન હોવાનું કહેવાય છે જે કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો. મૃતક કોંગ્રેસી નેતાના પુત્રના જણાવ્યા મુજબ રવિવારે સવારે નવ વાગ્યાની આસપાસ તેના પિતા માણેકચક ગયા હતા. આ દરમિયાન માસ્ક પહેરેલા બદમાશોએ કોંગ્રેસના નેતાને ઘેરી લીધા હતા અને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ આ દરમિયાન બદમાશોએ બોમ્બથી પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કોંગ્રેસ નેતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકના પુત્રએ આ હુમલા માટે ટીએમસી સમર્થિત ગુનેગારો પર આરોપ લગાવ્યો છે.
આપણ વાંચો: BREAKING: પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા Sitaram Yechuryનું નિધન, રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યો શોક
તૃણમૂલ કોંગ્રેસના નેતા પર આરોપો
પુત્રએ આરોપ લગાવ્યો કે ગોપાલપુર વિસ્તારના તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ શેખ નાસીર આ ઘટનામાં સામેલ છે. તેમના નેતૃત્વમાં જ બદમાશોએ આ ગુનો કર્યો અને મારા પિતાની નિર્દયતાથી હત્યા કરી.
ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત
ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે આ ઘટના અંગે પોલીસ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ મામલાની ગંભીરતાને જોતા પોલીસ આ ઘટના પાછળ કોનો હાથ છે તે શોધી રહી છે.