પોતાના છેલ્લા ભાષણમાં ઇન્દિરા ગાંધીએ કરી હતી એવી વાત, જેને સાંભળીને લોકો ચોંકી ગયા

ભારત દેશમાં આજે બે મહાનુભવો સાથે સંકળાયેલા ખાસ દિવસ છે. આ મહાનુભવોમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધીનો સમાવેશ થાય છે. જોકે બંને સાથે જોડાયેલા દિવસો એકબીજાથી વિપરીત છે. 31 ઓક્ટોબર 1875ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. જ્યારે 31 ઓક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયું હતું. જોકે, ઇન્દિરા ગાંધીનું મૃત્યુ એ એક પૂર્વ નિયોજીત કાવતરૂં હતું. પોતાની હત્યા થશે એવો આભાસ ઇન્દિરા ગાંધીને થઈ ગયો હતો. જેનો તેમણે પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. આવો જાણીએ ઇન્દિરા ગાંધીએ પોતાના છેલ્લા ભાષણમાં શું કહ્યું હતું.
જ્યારે હું મરીશ તો…
30 ઓક્ટોબર, 1984ના રોજ ઇન્દિરા ગાંધીએ ભુવનેશ્વરના BBSR પરેડ ગ્રાઉન્ડ ખાતે પોતાનું છેલ્લું ભાષણ આપ્યું હતું. ભુવનેશ્વર ખાતે જનતાને સંબોધતા ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, “હું આજે અહીં છું, બની શકે કે કાલે હું અહીં ન હોઉં. હું રહું કે ન રહું. મારું લાંબું જીવન રહ્યું છે અને મને એ વાતનો ગર્વ છે કે, મેં મારું સમગ્ર જીવન લોકોની સેવામાં વિતાવ્યું છે. હું મારા છેલ્લા શ્વાસ સુધી આવું કરતી રહીશ અને જ્યારે હું મરીશ તો મારા લોહીંનું દરેક ટીપું દેશને મજબૂત કરશે.”
ઇન્દિરા ગાંધીનું આ ભાષણ સાંભળીને કૉંગ્રેસના નેતાઓ તથા અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સૌ વિચારમાં પડી ગયા હતા કે, ઇન્દિરા ગાંધીએ પોતાના ભાષણમાં પોતાના મૃત્યુ જેવી વાતોનો ઉલ્લેખ કેમ કર્યો? ભુવનેશ્વરમાં ભાષણ આપ્યા બાદ ઇન્દિરા ગાંધી દિલ્હી પરત ફર્યા હતા. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, 30 ઓક્ટોબર 1984ની રાત્રે ઇન્દિરા ગાંધીને ઉંઘ આવી ન હતી. હું જ્યારે દમની દવા પીવા માટે મોડી રાતે ઉઠી ત્યારે પણ ઇન્દિરા ગાંધી જાગતા હતા. તેમણે મારી દવા શોધવામાં પણ મદદ કરી હતી અને કહ્યું હતું કે, કોઈ તકલીફ હોય તો મને સાદ પાડજે.
સુરક્ષા કર્મીઓએ કરી ઇન્દિરા ગાંધીની હત્યા
ઇન્દિરા ગાંધી પર કેટલાક લોકો ડૉક્યુમેન્ટરી બનાવી રહ્યા હતા. 31 ઓક્ટોબર, 1984ના રોજ ઇન્દિરા ગાંધીને આ લોકોને મળવાના હતા. ત્યારબાદ તેઓ વિદેશથી આવેલા કેટલાક લોકોને મળવાના હતા. સવારે 9 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ પોતાની ડૉક્યુમેન્ટરી માટે ઇન્ટરવ્યુ આપવા માટે ઘરની બહાર આવ્યા ત્યારે તેમના સુરક્ષા કર્મી સતવંત સિંહ અને બેઅંત સિંહે તેમને ‘નમસ્તે’ કહ્યું. ત્યારબાદ બંને સુરક્ષા કર્મીઓએ પોતાની સરકારી રિવોલ્વરથી ઇન્દિરા ગાંધી પર ફાયરિંગ કર્યું હતું. ઇન્દિરા ગાંધીને તાત્કાલિક એઇમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.
સુરક્ષા કર્મીઓએ કેમ કરી હત્યા
પંજાબમાં વધી રહી અલગતાવાદની સમસ્યાને મિટાવવા માટે જૂન 1984માં ઇન્દિરા ગાંધીએ ‘ઓપરશન બ્લૂ સ્ટાર’ શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ અમૃતસરના સુવર્ણ મંદિરમાં રહેલા જનરૈલ સિંહ ભિંડારાવાલા અને તેના સાથીઓને ભારતીય સેનાએ ગોળીબાર કરીને ઠાર કર્યા હતા. આ ગોળીબારમાં શિખ ધર્મના પવિત્ર ધર્મસ્થળ સુવર્ણ મંદિરને પણ નુકસાન પહોંચ્યું હતું. જેથી શિખ સમુદાય ઇન્દિરા ગાંધીથી નારાજ થયો હતો. શિખ સમુદાયની આ નારાજગી ઇન્દિરા ગાંધીના મૃત્યુનું કારણ બની હતી. ઇન્દિરા ગાંધીની હત્યા કરનાર બંને સુરક્ષા કર્મીઓ શિખ હતા.
આપણ વાંચો: ભારત-યુએસના સંબંધોનો અંત આવી ગયો છે! વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતે આવો દાવો કેમ કર્યો?
 
 
 
 


