ઈન્ડિગોની ફ્લાઇટો રદ્દ થતા અન્ય એરલાઈન્સ કંપનીઓની ‘વ્હાઇટ કોલર લૂંટ’, ટિકિટના ભાવમાં તોતિંગ વધારો

નવી દિલ્હીઃ ભારતભરમાં અત્યારે હવાઈ સેવા ખોરવાઈ હોવાના સમાચાર મળી રહ્યાં છે. ભારતની સૌથી મોટી એરલાઈન્સ એવી ઈન્ડિગોની આ ચાર દિવસમાં 2000થી પણ વધારે ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. આજે પાંચમા દિવસે મુંબઈ એરપોર્ટથી જવા વાળી ઈન્ડિગોની તમામ ફ્લાઈટો પણ રદ્દ કરી દેવામાં આવી છે.
ઈન્ડિગો પાસે ક્રૂ મેમ્બર, પાયલોટ, હોસ્ટેસ અને ફ્લાઇટ સ્ટાફની કમી હોવાના કારણે આવું થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ પર અત્યારે હજારો મુસાફરો પરેશાન થઈ રહ્યાં છે તેના માટે ઈન્ડિગો તો જવાબદાર છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આ સામે બીજી એરલાઈન્સ દ્વારા તે કરવામાં આવી રહ્યું છે પણ ગુનો જ કહેવાય.
એરલાઇન્સ કંપનીઓએ ફ્લાઇટ ટિકિટનો ભાવ 10 ઘણો વધારો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઈન્ડિગોની ફ્લાઈટો રદ્દ થઈ તેના કારણે બાકીની એરલાઇન્સ કંપનીઓએ ફ્લાઇટની ટિકિટના ભાવમાં 10 ઘણો વધારો કરીને વ્હાઇટ કોલર લૂંટ શરૂ કરી છે. મળતી વિગતો પ્રમાણે ઈન્ડિગોની ફ્લાઈટો મોટી સંખ્યામાં રદ્દ થઈ છે. આના કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો પરેશાન થઈ રહ્યાં છે.
લોકોની પરેશાનીને અન્ય એરલાઈન્સ કંપનીઓ પોતાના ફાયદો ગણી રહી છે. કારણ કે, અત્યારે દિલ્હીથી જયપુર ફ્લાઈટની ટિકિટનો ભાવ 50 હજાર, દિલ્હી-હૈદરાબાદનો ભાવ 25 હજાર અને દિલ્હી-કોલકાતા ફ્લાઇટ ટિકિટનો ભાવ 35થી45 હજાર કરી દેવામાં આવ્યો છે. આખરે આવી ઉઘાડી લૂંટ શા માટે?
એરલાઈન્સ કંપનીઓએ શરૂ કરી લૂંટ
લોકો અત્યારે એરલાઈન્સ કંપનીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં છે. ટિકિટના ભાવમાં અચાનક આવો 10 ઘણો વધારે કરવામાં આવ્યો હોવાના કારણે મુસાફરી કરવી ઘણી મુશ્કેલ બની ગઈ છે. એરલાઈન્સ કંપની લોકોની પરેશાનીને પોતાની કમાણીનું સાધન સમજી રહી છે. જેથી મુસાફરોએ કહ્યું કે, એરલાઈન્સ કંપનીઓ દ્વારા વ્હાઇટ કોલર ક્રાઈમ કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આજે પણ ઈન્ડિગોની ફ્લાઇટ સેવા ઠપ રહી છે. હજી કોઈ પણ પ્રકારનો જવાબ કંપની દ્વારા આપવામાં આવતો નથી. એક સાથે 2000થી પણ વધારે ફ્લાઈટો રદ્દ થવી એ ખૂબ જ મોટી નાકામી છે. આ મામલે સરકાર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો…ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલની સમસ્યા આજે પણ યથાવત: રેલવેએ યાત્રીઓ માટે કરી ખાસ વ્યવસ્થા



