
નવી દિલ્હીઃ એક દિવસની શાંતિ બાદ પાકિસ્તાને સોમવારે ફરીથી નાપાક હરકત કરી હતી. પીએમ મોદીના સંબોધનની ગણતરીની મિનિટોમાં જ સાંબા અને કઠુઆ જિલ્લાના સરહદી વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યા હતા. જોકે પાકિસ્તાન શાંત હોવાનો ડોળ કરીને ગમે ત્યારે કઈંક કરી શકે તેવી આશંકાને લઈ વિમાન કંપની ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ મોટું પગલું ભર્યું હતું. આ બંને કંપની દ્વારા જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ, રાજકોટ, ભૂજ, જામનગર, અમૃતસરની આજની તમામ ફ્લાઇટ રદ્દ કરી હતી.
ઈન્ડિગોએ એડવાઇઝરી જાહેર કરી
ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ અંગે એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું કે, નવા ઘટનાક્રમને જોતાં અને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટથી આવતી – જતી ઉડાન રદ્દ કરવામાં આવી છે.
ઈન્ડિગોએ કહ્યું, આનાથી તમારા ટ્રાવેલ પ્લાનને અસર થઈ શકે છે તે અમે સમજીએ છીએ. અસુવિધા માટે અમે દિલગીર છીએ. અમારી ટીમ સ્થિતિ પર નજર રાખી રહી છે અને સમય પર અપડેટ કરીશું. એરપોર્ટ પર પહોંચતા પહેલાં અમારી વેબસાઇટ કે એપ પર તમારી ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરો. કોઈ પણ મદદ માટે કોલ કે મેસેજ કરો.
એર ઈન્ડિયાએ કહ્યું કે, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સિક્યોરિટી સાથે જોડાયેલા મુદ્દાએ ચિંતા વધારી છે. જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ, રાજકોટ આવતી જતી ફ્લાઈટ મંગળવાર, 13 મેના રોજ રદ્દ કરવામાં આવી છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આ શહેરોમાંથી આવતા મુસાફરોને તેમના ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવા અને રીબુકિંગ કે રિફંડ માટે એરલાઇનનો સંપર્ક કરવા સલાહ છે.
પાકિસ્તાન સાથેના સંઘર્ષના પગલે ભારતે 15 મે સુધી 32 એરપોર્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ યુદ્ધવિરામના પગલે ભારતે સોમવારે જ બધા બંધ કરેલા એરપોર્ટ ખોલી દીધા હતા. ભારતીય હવાઈદળની સૂચનાના પગલે આ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…..રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ફરી શરૂ, ફ્લાઇટ બુકિંગ ટૂંક સમયમાં