નેશનલ

ઈન્ડિગોનું ‘ડેમેજ કંટ્રોલ’ શરુઃ એરલાઈને ‘આ’ પ્રવાસીઓને વળતર આપવાની કરી જાહેરાત

નવી દિલ્હીઃ ગંભીર ‘સંકટ’નો સામનો કરનારી ઈન્ડિગો (IndiGo)એ આજે અસરગ્રસ્ત મુસાફરોને વળતર આપવા અંગે મોટી જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે ત્રણથી પાંચ ડિસેમ્બર દરમિયાન જેમની મુસાફરી પર ગંભીર અસર થઈ હતી તેવા મુસાફરોને વળતર આપવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે ગંભીર અસરગ્રસ્ત પ્રવાસીઓને સરકારના નિયમો અનુસાર 5,000 રુપિયાથી લઈને 10,000 રુપિયા સુધીનું વળતર આપવામાં આવશે.

ઉપરાંત, ₹10,000 રુપિયાનું ટ્રાવેલ વાઉચર આપશે. કંપનીએ હજી સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે ‘ગંભીર રીતે અસરગ્રસ્ત’ મુસાફરોમાં કયા કયા મુસાફરોનો સમાવેશ કરવામાં આવશે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એરલાઇન્સ પર સતત નજર રાખી રહ્યું છે.

ઈન્ડિગોએ એક નિવેદનમાં દુઃખ વ્યક્ત કરતા સ્વીકાર્યું છે કે 3, 4 અને 5 ડિસેમ્બર 2025ના મુસાફરી કરનારા અમારા કેટલાક ગ્રાહકો ઘણા કલાકો સુધી એરપોર્ટ પર ફસાયેલા રહ્યા હતા અને ભીડને કારણે તેમને ગંભીર હાલાકી વેઠવી પડી હતી.”

કંપનીએ આવા અસરગ્રસ્ત ગ્રાહકોને ₹10,000ના ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી છે. આ વાઉચરનો ઉપયોગ આગામી 12 મહિનામાં ઈન્ડિગોની કોઈપણ ભાવિ મુસાફરી માટે કરી શકાશે. ઈન્ડિગોએ સ્પષ્ટ કર્યું કે આ વળતરની રકમ, સરકારી માર્ગદર્શિકા અનુસાર ફ્લાઇટ રદ્દ થવાના 24 કલાકની અંદર જે વળતર આપવાનું વચન આપ્યું હતું, તેનાથી અલગ છે.

આજે પણ 60 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

બેંગલુરુ એરપોર્ટ પરથી આજે પણ 60 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. નવા પાયલટ અને ક્રૂ ડ્યુટી નિયમોના અમલીકરણ સાથે જોડાયેલા આયોજનમાં ગડબડીના કારણે સેવાઓમાં મોટા પાયે અવરોધો આવ્યા છે, જેના કારણે DGCA એરલાઇન પર નજર રાખી રહ્યું છે. જોકે, એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું છે કે તે આજે 1,950થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવાની અપેક્ષા રાખી રહી છે.

CEOની DGCA સમક્ષ રજૂઆત અને માફી

આ સંકટ વચ્ચે ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સ ને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં ડેટા અને તાજેતરના ઓપરેશનલ અવરોધો પર અપડેટ સામેલ હશે. એરલાઇનના ચેરમેન વિક્રમ મહેતાએ બુધવારે 10 દિવસમાં પ્રથમ વખત આ સંકટ વિશે વાત કરી હતી.

ઉપરાંત, અવ્યવસ્થા માટે માફી માંગી હતી અને અણધાર્યા ઊભા થયેલા સંયોગને જવાબદાર ગણાવ્યા હતા, જેમાં નાની નાની ટેકનિકલ ખામીઓ, શિયાળાની ઋતુના સમયપત્રકમાં ફેરફાર, ખરાબ હવામાન અને અપડેટેડ ક્રૂ રોસ્ટરિંગ નિયમોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…Indigo Crisis: ઈન્ડિગોના CEO પર લટકતી તલવાર: DGCAએ નોટિસ ફટકારી, આવતીકાલે રિપોર્ટ આપવાનો આદેશ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button