પાકિસ્તાન-સાઉદીની ડિફેન્સ ડીલ પર ભારતની પહેલી પ્રતિક્રિયા: પહેલેથી જ જાણ હતી, રાષ્ટ્રીય સુરક્ષા પર અસરનો અભ્યાસ થશે

નવી દિલ્હી: પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત બંનેમાંથી કોઈ એક દેશ પરના આક્રમણને બંને દેશો પરનો હુમલો ગણવામાં આવશે.
વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર પર વડાપ્રધાન શાહબાઝ શરીફની રિયાધની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અલ-યમ્માહ પેલેસમાં ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને તેમનું સ્વાગત કર્યું હતું. આ મામલે ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે તેના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તૈયાર છે અને આ કરારની અસરનો અભ્યાસ કરવામાં આવશે.
પાકિસ્તાન અને સાઉદી વચ્ચે થયેલા રક્ષા કરાર પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ભારત સરકારે આ કરાર સંબંધિત સમાચાર જોયા છે અને તેને ગંભીરતાથી લઈ રહી છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂરની ધાક: ભારતથી બચવા પાકિસ્તાને સાઉદી અરેબિયાનું શરણ લીધું, કરારમાં મોટી શરત મૂકાઈ
તેમણે જણાવ્યું હતું કે સરકારને આ વાતની જાણ હતી કે બંને દેશો વચ્ચે આ પ્રકારનો કરાર વિચારણા હેઠળ હતો, જે હવે સત્તાવાર સ્વરૂપ લઈ ચૂક્યો છે. તેમણે કહ્યું કે, અમે આ ઘટનાક્રમની ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની સાથે સાથે પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા પર થનારી અસરોનો અભ્યાસ કરીશું.
ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતને આ કરારની જાણકારી પહેલેથી જ હતી. માનવામાં આવે છે કે ક્યાં તો સાઉદી અરેબિયાએ પોતે ભારતને જાણકારી આપી છે અથવા કોઈ અન્ય દેશે જણાવ્યું હોય શકે છે. જોકે, આ સંદર્ભમાં કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત સરકાર પોતાના રાષ્ટ્રીય હિતોના રક્ષણ અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ સમજૂતીના સંભવિત પરિણામોનું ઊંડું વિશ્લેષણ કરવામાં આવશે, જેથી ભારતની સુરક્ષા અને ક્ષેત્રીય સ્થિરતા પર તેના પ્રભાવને સમજી શકાય.