આંધ્રપ્રદેશની રાજલક્ષ્મીનું ટેક્સાસમાં મોત, ખેડૂત માતા-પિતાનું સપનું ચકનાચૂર…

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસમાં એક 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું અચાનક મોત થયું છે, જેનાથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાના કરમચેડુ ગામની રાજલક્ષ્મી (રાજી) યાર્લાગડ્ડા ગત 7 નવેમ્બરે પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. તાજેતરમાં જ ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલી રાજી નોકરીની શોધમાં હતી.
મળતી માહિતી પ્રમાણે રાજીના પિતરાઈ ભાઈ ચૈતન્ય વાયવીકે જણાવ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી તેને ખુબ ખાંસી અને છાતીમાં દુખાવો હતો, પણ તેણે કોઈને વધુ ન કહ્યું. જે બાદ 7 નવેમ્બરની સવારે અલાર્મ વાગ્યો, પણ રાજી ઊઠી નહીં. મિત્રોએ દરવાજો તોડ્યો તો તે સૂતી હાલતમાં મળી આવી હતી.
હાલ અમેરિકામાં રાજીના શરીરનું મેડિકલ પરીક્ષણ ચાલી રહ્યું છે. ડૉક્ટરો સચોટ કારણ શોધી રહ્યા છે. આ મામલે ચૈતન્યે મીડિયાને જણાવ્યું કે, “અમને લાગે છે કે તે અચાનક કાર્ડિયાક એરેસ્ટ હોઈ શકે, પણ અમે રિપોર્ટની રાહ જોઈએ છીએ.” રાજી એકલી રહેતી હતી એટલે મદદ માટે કોઈ ન હતું.
રાજી તેના ખેડૂત માતા-પિતાની એકમાત્ર દીકરી હતી. નાનકડી જમીન અને પશુપાલનથી ગુજારો કરતા પરિવારનું સપનું હતું કે રાજી સારી નોકરી કરીને તેમને સહારો આપશે. પણ હવે એ સપનું ચૂર-ચૂર થઈ ગયું. પરિવાર પર પણ ભણતરની લોનનો બોજો છે.
ચૈતન્યએ ટેક્સાસના ડેન્ટનથી GoFundMe પર ફંડરેઝર શરૂ કર્યું છે. જેના કારણે રાજીનો મૃત દેહ ભારત પરત લાવવાથી લઈને અંતિમ સંસ્કારપ અને લોનની ચૂકવણીમાં માતા પિતાને થોડો સહારો મળી શકશે. ચૈતન્યએ લખ્યું, “રાજીનું દિલ ઉમેદોથી ભરેલું હતું. તે મા-બાપ માટે સારું ભવિષ્ય બનાવવા માગતી હતી. હવે અમને તમારી મદદ જોઈએ.”



