શું છે આ રૂદ્રાસ્ત્ર? જેનું નામ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાશે, વાંચો આ અહેવાલ

નવી દિલ્લીઃ ભારતીય રેલવેએ એક મોટો ઇતિહાસ રચ્યો છે. ભારતીય રેલવે એ એવું કામ કરી બતાવ્યું છે કે, હવે તેનું નામ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે. ભારતીય રેલવેએ રૂદ્રાસ્ત્ર નામની માલગાડી બનાવી છે. દીન દયાળ ઉપાધ્યાય રેલ્વે વિભાગે ‘રુદ્રાસ્ત્ર’ 4.5 કિલોમીટર લાંબી માલગાડી બનાવી છે. આ માલગાડી 6 માલગાડીઓને જોડીને બનાવવામાં આવી હતી. તેના કારણે ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
ભગવાન શિવ પરથી રાખવામાં આવ્યું આ માલગાડીનું નામ
દેશની પ્રથમ સૌથી લાંબી ટ્રેન છે. આ ટ્રેનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ શકે છે. માલગાડીની વાત કરવામાં આવે તો, આમાં કુલ 354 ડબ્બા છે. આ ટ્રેન 7 એન્જિનની મદદથી ચલાવવામાં આવી છે. DDU રેલ્વે વિભાગ દ્વારા આ ટ્રેન ગંજખ્વાજા સ્ટેશનથી સોનનગર સુધી ચલાવવામાં આવી હતી. આ ટ્રેનનું નામ ભગવાન શિવ પરથી ‘રૂદ્રાસ્ત્ર’ રાખવામાં આવ્યું છે.
આ માલગાડી ધનબાદ રેલ્વે વિભાગને સોંપવામાં આવશેઃ સૂત્ર
ભારતીય રેલ્વેના DDU રેલ્વે વિભાગના મેનેજર ઉદય સિંહ મીણાએ જણાવ્યું હતું કે, આ ટ્રેન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર ચલાવવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ માલગાડી ધનબાદ રેલ્વે વિભાગને સોંપી શકાય છે. આ ટ્રેન કોલસા અને અન્ય માલસામાન વહન કરવા માટે બનાવવામાં આવી છે. આ ટ્રેનનું ટ્રાયલ સફળ રહ્યું છે. આ ટ્રેન ભારતીય રેલ્વેના સુવર્ણ ઇતિહાસમાં બનેલી પ્રથમ સૌથી લાંબી ફ્રેઇટ ટ્રેન છે.
5 કલાક અને 10 મિનિટમાં 209 કિમીનું અંતર કાપ્યું
ટ્રાયલની વાત કરવામાં આવે તો આ માલગાડીને ગંજખ્વાજા સ્ટેશનથી સોનનગર સુધી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર ચાલી હતી. પછી ગઢવા રોડ સુધી નોર્મલ ટ્રેક પર દોડાવવામાં આવી હતી. આ ટ્રેન આશરે 40.50 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. માત્ર 5 કલાક અને 10 મિનિટમાં આ ટ્રેન 209 કિમીનું અંતર કાપીને ગઢવા રોડ સ્ટેશન પર આવી હતી. છ માલગાડીઓને સાથે જોડીને આ ટ્રેન બનાવવામાં આવી હોવાથી હવે સમયની બચત થશે અને મોટી માત્રામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માલસામાલ લઈ જઈ શકાશે.
વિશ્વની સૌથી લાંબી ટ્રેન કઈ છે?
આ રૂદ્રાસ્ત્ર ટ્રેન 354 ડબ્બા સાથે ભારતની સૌથી લાંબી ટ્રેન તો બની ગઈ છે. હવે આશા છે કે, આ વિશ્વની બીજી સૌથી લાંબી ટ્રેન બનીને રેકોર્ડ બનાવશે. અત્યારે વિશ્વની સૌથી લાંબી માલગાડીનો રિકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામ છે. ઓસ્ટ્રેલિયાની બીએચપી આયરન ટ્રેન વિશ્વની સૌથી લાંબી ટ્રેન છે જે 7.3 કિમી લાંબી છે અને તેમાં 682 ડબ્બા લાગેલા છે. આ ટ્રેન 8 લોકોમોટિવ એન્જિન દ્વારા ખેંચાય છે.