
આગ્રાઃ ગણેશચતુર્થીના આજના તહેવારના દિવસે ભારતીય રેલવે મોટા અકસ્માતમાંથી ઉગરી ગયું હોવાના સમાચાર મળ્યા. જનશતાબ્દી એક્સપ્રેસ એક મોટા અકસ્માતનો શિકાર થતા બચી ગઈ.
અહેવાલ અનુસાર આ્ગ્રા ડિવિઝનમાં દિલ્હી જઈ રહેલી જનશતાબ્દી એક્સપ્રેસના લોકો પાઈલટે એ વખતે ટ્રેનને વાળી દેવામાં સફળ રહ્યો હતો, જ્યાં રેલવેના પાટાનું મરમ્મત કામ થઈ રહ્યું હતું.
આ બનાવમાં રેલવેએ કાર્યવાહી કરતા એક સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક કંટ્રોલરને સસ્પેન્ડ કર્યા છે. આ બનાવને કારણે ટ્રેનના સેંકડો પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા, પરંતુ સદ્નસીબે સૌનો બચાવ થયો.

ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેન લોકો પાઈલટે રોકી લીધી
ટ્રેનના એલર્ટ લોકો પાઈલટને આ બનાવની જાણ પછી પાટા પર મરમ્મતનું કામ કરનારા કર્મચારીઓ દ્વારા લગાવવામાં આવેલા રેડ ફ્લેગને જોયા અને તાત્કાલિક ઈમર્જન્સી બ્રેક મારી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.
આ બનાવ અંગે રેલવેના અધિકારીએ કહ્યું હતું કે આ મામલામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રેનના ઓપરેશનમાં મિસ-મેનેજમેન્ટ અન્વયે સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક કંટ્રોલરની સામે કાર્યવાહી કરી છે.
આ મામલામાં વધુ તપાસ પૂરી થાય ત્યાં સુધી બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રવાસીની તબિયત બગડ્યા પછી ટ્રેન રોકવાની કરી અપીલ
બનાવ અંગે અધિકારીએ કહ્યું હતું કે મંગળવારે સવારના દસ વાગ્યાના સુમારે એક પ્રવાસીની તબિયત બગડ્યા પછી ટીસીએ આગ્રાના કંટ્રોલ રુમને છાતા સ્ટેશન પર ટ્રેન રોકવાની વિનંતી કરી હતી.
જોકે, છાતા સ્ટેશન ક્રોસ થઈ ગયું, કારણ કે એના અંગેની જરુરી માહિતી લોકો પાઈલટ સુધી પહોંચી નહોતી. એના પછી ટીસીએ ફરી રેલવે કંટ્રોલનો સંપર્ક કરીને આગામી કોસી સ્ટેશને ટ્રેનમાંથી ઉતરવા માટેની મંજૂરી માગી હતી, કારણ કે પ્રવાસીની તબિયત વધુ બગડી હતી.
છાતા, કોસી અને હડલ સ્ટેશન પર પણ ટ્રેનને હોલ્ટ મળ્યો નહીં
ચોંકાવનારી વાત એ હતી કે જ્યારે કોસી સ્ટેશન પર ટ્રેન રોકી નહીં તો બીજા હોડલ સ્ટેશન પર ટ્રેન રોકવાનો નિર્ણય ટ્રેનમાં રહેલા કર્મચારીઓએ લીધો હતો, પરંતુ સ્ટેશન માસ્ટરે એ બાબતને અવગણીને ટ્રેનને લુપ લાઈનમાં ડાઈવર્ટ કરવાનું સિગ્નલ આપ્યું.
પરંતુ એ વખતે સતર્ક લોકો પાઈલટે સામે ટ્રેક પર કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનું જોયા પછી ટ્રેનને ઈમર્જન્સીમાં બ્રેક મારી લીધી હતી. આ બનાવમાં ટ્રાફિક કંટ્રોલરની પણ બેદરકારી ધ્યાનમાં આવી હતી. પ્રવાસીની જરુરિયાત પછી પણ સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક કંટ્રોલર ટ્રેનને કેમ રોકવામાં નિષ્ફળ રહ્યા એના સવાલ ઊભા થયા હતા.
એ વખતે લોકો પાઈલટે ટ્રેનને સમયસર રોકી દીધી નહીં તો
જ્યારે કોસી પર ટ્રેન રોકાઈ નહીં ત્યારે ટ્રેનના કર્મચારીઓ ટ્રેનને ફરી રોકવાનો અનુરોધ કર્યો હતો, જેથી હોડલ સ્ટેશન પર રોકવાનો નિર્ણય કર્યો, પરંતુ સ્ટેશન માસ્ટરે ઉતાવળમાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા ટ્રેનને લુપ લાઈનમાં ડાઈવર્ટ કરી દીધી.
આ બનાવથી માહિતગાર અધિકારીઓએ કહ્યું કે પાટા પર કામ કરનારા કર્મચારીઓએ રેડ ફ્લેગ લગાવ્યા હોવાથી તેની જાણ લોકો પાઈલટને થઈ અને અકસ્માત ટળ્યો હતો, પરંતુ જો લોકો પાઈલટ બેધ્યાન બન્યો હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત. આ બનાવમાં સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક કંટ્રોલરની ગંભીર બેદરકારીને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…ખેદ હૈ: કોંકણ રેલવેની ટ્રેનો ચાર-પાંચ કલાક મોડી, કોંકણવાસીઓમાં નારાજગી…