નૌકાદળની 'તાકાત'માં થશે વધારોઃ 'ઉદયગિરિ' અને 'હિમગિરિ' યુદ્ધ જહાજ એકસાથે સામેલ થશે...

નૌકાદળની ‘તાકાત’માં થશે વધારોઃ ‘ઉદયગિરિ’ અને ‘હિમગિરિ’ યુદ્ધ જહાજ એકસાથે સામેલ થશે…

નવા યુદ્ધ જહાજો ભારતની આત્મનિર્ભરતા તરફની પ્રતિબદ્ધતાનું પ્રમાણ

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ 26 ઓગસ્ટ, 2025ના રોજ એક ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ દિવસે બે અદ્યતન યુદ્ધ જહાજો, ઉદયગિરિ (એફ 35) અને હિમગિરિ (એફ 34), વિશાખાપટ્ટનમ ખાતે નૌકાદળમાં સામેલ થશે.

આ પ્રથમ વખત છે જ્યારે બે અગ્રણી ભારતીય શિપયાર્ડ દ્વારા બનાવેલા યુદ્ધ જહાજો એકસાથે નૌકાદળમાં જોડાશે. આ ઘટના રક્ષા ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ સફળતાને દર્શાવે છે.

ઉદયગિરિ, જે પ્રોજેક્ટ 17A સ્ટીલ્થ ફ્રિગેટનો બીજું જહાજ છે, તેનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું છે. બીજી તરફ હિમગિરિ, જે પ્રોજેક્ટ 17Aનો પ્રથમ જહાજ છે, તેનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરાયું છે.

ખાસ વાત એ છે કે ઉદયગિરિ નૌકાદળના યુદ્ધ જહાજની ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલું 100મું જહાજ છે, જે ભારતની ડિઝાઇન ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.

આ બંને જહાજ, ઉદયગિરિ અને હિમગિરિ લગભગ 6,700 ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે અને તે શિવાલિક-શ્રેણીના યુદ્ધ જહાજો કરતા લગભગ પાંચ ટકા મોટા છે. આ જહાજોની ડિઝાઇન વધુ સુડોળ છે અને તેમનું રડાર ક્રોસ-સેક્શન ઓછું છે, જે તેમને દુશ્મનના રડારથી બચવામાં મદદ કરે છે.

આ જહાજો સંયુક્ત ડીઝલ અને ગેસ (CODOG) સિસ્ટમથી સંચાલિત છે, જેમાં ડીઝલ એન્જિન અને ગેસ ટર્બાઇનનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, એકીકૃત પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ (IPMS) તેમના સંચાલનને વધુ કાર્યક્ષમ બનાવે છે.

આ જહાજો અદ્યતન હથિયારોથી સજ્જ છે, જેમાં સુપરસોનિક સરફેસ-ટુ-સરફેસ મિસાઇલ, મધ્યમ રેન્જની સરફેસ-ટૂ-એર મિસાઇલ, 76 એમએમની એમઆર ગન, 30 એમએમ અને 12.7 એમએમની નજીકના હથિયાર સિસ્ટમો અને સબમરીન વિરોધી હથિયારોનો સમાવેશ થાય છે. આ શસ્ત્રો આ જહાજોને બહુમુખી અને શક્તિશાળી બનાવે છે, જે નૌકાદળની યુદ્ધ ક્ષમતાને વધારે છે.

ઉદયગિરિ અને હિમગિરિનું નિર્માણ ભારતની આત્મનિર્ભરતા તરફની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. આ ઉપરાંત, 2025માં અન્ય સ્વદેશી જહાજો જેવા કે વિધ્વંસક આઈએનએસ સુરત, ફ્રિગેટ આઈએનએસ નીલગિરિ, સબમરીન આઈએનએસ વાઘશીર, ઉથલા પાણીની પનડુબ્બી આઈએનએસ અર્નાલા અને ડાઈવિંગ સપોર્ટ જહાજ આઈએનએસ ‘નિસ્તાર’ને લોન્ચ કરવામાં આવશે. આ બધું ભારતના રક્ષા ઉદ્યોગની વધતી ક્ષમતા અને આત્મનિર્ભરતાને દર્શાવે છે.

આ પણ વાંચો…અમેરિકા, નાટોની ધમકીને ભારતે પડકારી? ભારતીય યુદ્ધ જહાજ INS તમાલ રશિયન નૌકાદળ દિવસ પર ભાગ લેવા પહોંચ્યું…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button