ઇન્ટરનેશનલનેશનલ

ઢાકામાં ભારતીય હાઈ કમિશન પાસે હંગામોઃ શેખ હસીનાને પરત સોંપવાની માંગ સાથે કટ્ટરપંથીઓનું પ્રદર્શન

ભારતે સુરક્ષાના કારણોસર ઢાકામાં વિઝા સેન્ટર બંધ કર્યું, વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી

ઢાકા/નવી દિલ્હીઃ બાંગ્લાદેશ અત્યારે પાકિસ્તાનના રસ્તે ચાલી રહ્યો છે. પાટનગર ઢાકામાં માહોલ ગરમાયો છે. ભારતીય હાઈ કમિશન પાસે કટ્ટરપંથીઓએ ભારે પ્રદર્શન કરી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતથી પાછા લઈ જવાની જીદ સાથે કટ્ટરપંથી સંગઠન ‘જુલાઈ ઓઈક્યા’નો કાર્યકરો જોરદાર વિરોધ કરી રહ્યાં છે. ‘જુલાઈ ઓઈક્યા’ નામના કટ્ટરપંથી સંગઠનનો લોકો ભારત વિરોધી સૂત્રોચ્ચાર સાથે રેલીઓ કાઢી રહ્યાં છે, જેના કારણે માહોલ વધારે ગરમ થયો છે. એટલું જ નહીં પરંતુ આ લોકોએ સોશિયલ મીડિયામાં પણ કેમ્પેઈન શરૂ કર્યું છે.

કટ્ટરપંથી સંગઠને કર્યું વિરોધ પ્રદર્શન

‘જુલાઈ ઓઈક્યા’ નામના કટ્ટરપંથી સંગઠને ભારતને તોડી પાડવાના સૂત્રો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું છે. ઢાકાની સાથે દિલ્હીને લઈને પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હોવાના કારણે માહોલ વધારે ગરમાયો અને પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આ લોકો શેખ હસીના અને ગયા વર્ષે આંદોલન દરમિયાન ભારત ભાગી ગયેલા લોકોને પાછા બાંગ્લાદેશ પાછા લાવવા માટે માંગણીઓ કરે છે. અત્યારે ભારતીય હાઈ કમિશનની અંદર કટ્ટરપંથીઓ પ્રવેશી ના જાય તે માટે મોટી સંખ્યામાં સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

વચગાળાની સરકાર પર કટ્ટરપંથીઓ ભારે પડ્યા

ભારત સરકારે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષા અંગે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે ભારતમાં બાંગ્લાદેશના ઉચ્ચ કમિશનર રિયાઝ હમીદુલ્લાહને બોલાવ્યા હતા અને ઢાકામાં સુરક્ષા પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચે ઐતિહાસિક અને મૈત્રીપૂર્ણ સંબંધ રહ્યો છે. પરંતુ અત્યારે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી જવાબદારી અંતર્ગત ભારતીય હાઈ કમિશન અને અધિકારીઓની સુરક્ષા કરવી એ બાંગ્લાદેશની સરકારની જવાબદારી છે. એટલું જ નહીં, પરંતુ બાંગ્લાદેશની વચગાળાની સરકારે નિષ્પક્ષ તપાસ ના કરી હોવાનો અને ભારતને કોઈ પુરાવા ના આપ્યાનો આક્ષેપ પણ કર્યો છે.

ભારતે ઢાકામાં ભારતીય વિઝા સેન્ટર બંધ કર્યું

બાંગ્લાદેશમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC) બંધ કરી દીધું હોવાનું પણ જાણવા મળ્યું છે. આઈવીએસીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે વર્તમાનની સુરક્ષા સ્થિતિને ધ્યાને રાખતા અમે જાહેર કરીએ છીએ કે, IVAC JFP ઢાકા આજે બપોરે 2 વાગ્યે બંધ થશે, જેથી સબમિશન માટે નિર્ધારિત બધા અરજદારોના એપોઇન્ટમેન્ટ સ્લોટ પછીની તારીખે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે તેવી પણ જાહેર કરવામાં આવ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button