Top Newsનેશનલ

ઈન્ડિગોની ‘મોનોપોલી’ ખતમઃ સરકારે એક નહીં બે નવી એરલાઈન્સને આપી મંજૂરી

પ્રવાસીઓને મોંઘી ટિકિટ અને ફ્લાઈટ કેન્સલેશનની સમસ્યામાંથી મળી શકે મુક્તિ

નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગોના કારણે હજારો લોકો પરેશાન થયા હતાં. અનેક ફ્લાઈટો લેટ થઈ તો અનેક રદ્દ થઈ હોવાના કારણે લોકોને કલાકો સુધી એરપોર્ટ પર બેસી રહેવું પડ્યું હતું. હજારો લોકો એવા પણ હતા જેઓ મંઝિલ સુધી નહોતા પહોંચી શક્યાં! જેથી એવું પ્રમાણિત થયું હતું કે, ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં માત્ર કેટલાક લોકોનું જ પ્રભુત્વ છે. કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે ગણ્યા ગાંઠ્યા લોકો પ્રભુત્વ જમાવીને બેઠા હોય ત્યારે સામાન્ય લોકો જ પરેશાન થતા હોય છે. ઇન્ડિગોના કારણે પણ આવું જ થયું હતું. હજારો લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે સરકારે આ મામલે એક સારૂ નિરાકરણ લાવી દીધું છે.

‘અલ હિંદ એર’ અને ‘ફ્લાઈ એક્સપ્રેસ’ને NOC આપી

ભારત સરકારે ઇન્ડિગોના એકાધિકારને તોડવા અને લોકોને સારો વિકલ્પ મળી રહે તે દિશામાં સારું કાર્ય કરતા નવી બે એરલાઇન્સને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ‘અલ હિંદ એર’ અને ‘ફ્લાય એક્સપ્રેસ’ને એનઓસી આપ્યું છે. આનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં તમારે એર ટિકિટ બુક કરવા માટે ફક્ત એક કે બે કંપની પર આધાર નહીં રાખવો પડે. સરકારના આ નિર્ણયના કારણે લોકોને વધારે ફાયદો થવાનો છે. ખાસ કરીને ઈન્ડિગોએ જે મનમાની કરી હતી તેના બાદ આ નિર્ણય લેવો વધારે અનિવાર્ય હતો.

ઇન્ડિગો અને એર ઈન્ડિયાની મોનોપોલીનો આવશે અંત

ભારતમાં અત્યારે માત્ર ઇન્ડિગો અને એર ઈન્ડિયાનો દબદબો રહ્યો છે, જે મનસ્વી રીતે લોકો પાસેથી ટિકિટના ભાવ વસૂલી રહ્યાં હતા. આંકડા જોવામાં આવે ભારતમાં 90 ટકા હવાઈ યાત્રામાં માટે લોકો માત્ર આ બે એરલાઇન્સનો ઉપયોગ કર્યો છે. તેનું કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એક એરલાઇન્સમાં કોઈ ખામી સર્જાય તો મોટાભાગની હવાઈયાત્રામાં વિક્ષેપ આવી જતો હોય છે. ઈન્ડિગો તેનું તાજું ઉદાહરણ છે. આ પરેશાનીનો કેન્દ્ર સરકારે ઉકેલ શોધી કાઢ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે, સરકાર હવે નવી એરલાઇન્સ કંપનીને પ્રોત્સાહન આપી રહી છે.

સરકાર હવાઈ ક્ષેત્રમાં નવા વિકલ્પને મહત્વ આપશે

થોડા સમય પહેલા ઉડ્ડયન મંત્રાલયે ત્રણ નવી કંપનીઓ સાથે મુલાકાત કરી હતી. સરકાર હવાઈ ક્ષેત્રમાં નવા વિકલ્પને મહત્વ આપવાનું વિચારી રહી છે. વિગતે જોઈએ તો ‘અલ હિંદ એર’એ કેરળના અલ હિન્દ ગ્રુપનો ભાગ છે, જે પહેલાથી જ ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રમાં સક્રિય રીતે વેપાર જમાવીને બેઠેલી છે. બીજી કંપની ‘ફ્લાય એક્સપ્રેસ’ આ હૈદરાબાદની કંપની છે. જેને કુરિયર અને કાર્ગો સેવાઓનો સારો એવો અનુભવ છે.

આ બંને સિવાય ‘શંખ એર’ નામની કંપનીને પણ એનઓસી આપવામાં આવ્યું છે. ‘શંખ એર’ અત્યારે ઉત્તર પ્રદેશના લખનઉ, વારાણસી, આગ્રા અને ગોરખપુરમાં સેવા પૂરી પાડે છે. સરકારની ‘ઉડાન’ યોજના હેઠળ સ્ટાર એર અને ફ્લાય91 જેવી નાની કંપનીઓ પણ સારું એવું કામ કરી રહીં છે, જેથી આગામી સમયમાં હવાઈ ક્ષેત્રમાં વધુ વિકલ્પો જોવા મળી શકે છે.

આપણ વાંચો:  ચીન ભારતને ઘેરવા પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બનાવી રહ્યું છે લશ્કરી મથકોઃ પેન્ટાગોનનો ખુલાસો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button