કેનેડામાં ભારતીય દૂતાવાસ કરશે પીડિતાઓની મદદ: ટોરોન્ટોમાં શરૂ કર્યું ખાસ સેન્ટર

ટોરોન્ટો: મહિલાઓની મદદ માટે ભારત સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે. આ વાતનો દાખલો બેસાડતું એક ઉદાહરણ સામે આવ્યું છે. કેનેડામાં વસતી અને વિવિધ સામાજિક કે કાનૂની સમસ્યાઓનો સામનો કરી રહેલી ભારતીય મહિલાઓ માટે ભારત સરકારે એક મોટું પગલું ભર્યું છે.
‘વન સ્ટોપ સેન્ટર ફોર વુમેન’ સેન્ટર
ટોરોન્ટો સ્થિત ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે, કેનેડામાં મુશ્કેલીનો સામનો કરી રહેલી ભારતીય મહિલાઓની મદદ માટે ખાસ ‘વન સ્ટોપ સેન્ટર ફોર વુમેન’ (OSCW) શરૂ કર્યું છે. આ સેન્ટર ફક્ત ભારતીય પાસપોર્ટ ધરાવતી મહિલાઓ માટે કામ કરશે. ‘વન સ્ટોપ સેન્ટર ફોર વુમેન’ની હેલ્પલાઈન 24×7 કલાક મહિલાઓ માટે ખડેપગે રહીને સેવા આપશે. આ સેન્ટરનું સંચાલન એક મહિલા સેન્ટર એડમિનિસ્ટ્રેટર દ્વારા કરવામાં આવશે, જેથી પીડિત મહિલાઓ પોતાની વાત નિઃસંકોચપણે રજૂ કરી શકે. જોકે, ‘વન સ્ટોપ સેન્ટર ફોર વુમેન’ સેન્ટરની તમામ કાર્યવાહી કેનેડાના સ્થાનિક કાયદાને આધિન રહીને જ કરવામાં આવશે.
મહિલાઓને મળશે તાત્કાલિક સહાય
‘વન સ્ટોપ સેન્ટર ફોર વુમેન’ સેન્ટર ઘરેલુ હિંસા અને શારીરિક કે માનસિક શોષણ, કૌટુંબિક વિખવાદ અથવા પતિ દ્વારા પરિત્યાગ તથા કાનૂની પડકારો અને સામાજિક દુર્વ્યવહાર જેવી સમસ્યાનો સામનો કરી રહેલી ભારતીય મહિલાઓને તાત્કાલિક સહાય પૂરી પાડશે. પીડિત મહિલાઓ ફોન નંબર +1 (437) 552 3309, ઇમેઇલ એડ્રેસ osc.toronto@mea.gov.in પરથી ‘વન સ્ટોપ સેન્ટર ફોર વુમેન’નો સંપર્ક કરી શકે છે. આ સિવાય પીડિતાઓ ભારતીય દૂતાવાસની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકે છે.
ટોરોન્ટોમાં કાર્યરત ‘વન સ્ટોપ સેન્ટર ફોર વુમેન’ સેન્ટર માનસિક અને સામાજિક ટેકો આપવા માટે પીડિત મહિલાઓનું નિષ્ણાતો દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવશે. પીડિત મહિલાઓને કાયદાકીયૂ ગૂંચવણોમાં મદદ કરવા માટે પેનલ પરના વકીલો અને NGO દ્વારા સલાહ-સૂચન આપવામાં આવશે. પીડિત મહિલાઓ ‘વન સ્ટોપ સેન્ટર ફોર વુમેન’ના સેન્ટરની હેલ્પલાઇન પર ઇમરજન્સીના સંજોગોમાં કોઈપણ સમયે ફોન કરીને મદદ માંગી શકશે. પીડિત મહિલાઓને ભારત સરકારના નિયમો મુજબ, આર્થિક સ્થિતિની છણાવટ કર્યા બાદ જરૂરી નાણાકીય મદદ પણ પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો…કેનેડાના ટોરેન્ટોમાં ભારતીય વિદ્યાર્થી શિવાંકની ગોળી મારીને હત્યા, પોલીસે તપાસ શરૂ કરી



