
નવી દિલ્હી : ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાને કરેલા ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ 10 મેએન રોજ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ અંગે સમજૂતી થઈ છે. તેમજ આ અંગે સોમવારે બંને દેશોના ડીજીએમઓ સ્તરે વાતચીત પણ થઇ છે. જેની બાદ ગત રાત્રે ભારતના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવ્યો નથી. ભારતીય સેનાના નિવેદન મુજબ નિયંત્રણ રેખાથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી શાંતિ છે અને પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું નથી. સેનાએ કહ્યું છે કે હવે સરહદ પર પરિસ્થિતિ સામાન્ય અને શાંતિપૂર્ણ છે.
બંને દેશોના ડીજીએમઓ વચ્ચે હોટલાઇન પર વાતચીત
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે 12 મેના રોજ સાંજે 5 વાગ્યે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ. આ વાતચીતમાં 10 મેના રોજ બંને પક્ષો વચ્ચે લશ્કરી કાર્યવાહી અને ગોળીબાર બંધ કરવા માટે થયેલા સમજૂતીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. હોટલાઇન પર ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને પાકિસ્તાનના ડીજીએમઓ જનરલ કાસિમ અબ્દુલ્લાએ વાતચીત કરી હતી.
સૈનિકોની સંખ્યામાં ઘટાડવા તાત્કાલિક પગલાં લેવા ચર્ચા
ભારત પાકિસ્તાનના ડીજીએમઓ લેવલની વાતચીતમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં યુદ્ધ વિરામ અને નિયંત્રણ રેખા પર થતાં ફાયરિંગને રોકવા મુદ્દે વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી હતી. જેમાં એ મુદ્દે પણ
સંમતિ થઈ હતી કે બંને પક્ષોએ સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. શનિવારે બંને ડીજીએમઓ વચ્ચે થયેલી વાતચીત બાદ લશ્કરી કાર્યવાહી અને ગોળીબાર બંધ કરવાની સમજૂતીની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો…..ટેરર અને ટ્રેડ એક સાથે થઈ ના શકેઃ PM મોદીનો સ્પષ્ટ સંદેશ