બાંગ્લાદેશની વણસતી સ્થિતિને લઈને ભારતની ઈસ્ટર્ન બોર્ડર પર એલર્ટ: કમાન્ડના વડાએ કરી બોર્ડર વિઝિટ…

આઈઝોલ: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં સર્જાયેલી અસ્થિરતા અને હિંસાને પગલે ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. શેખ હસીના વિરોધી આંદોલનના મુખ્ય નેતા શરીફ ઉસ્માન હાદીના નિધન બાદ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને વધતા જતા ભારત વિરોધી સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ હાઈ-એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટને લઈને ઈસ્ટર્ન બોર્ડરની કેવી પરિસ્થિતિ છે, તેનો ઈસ્ટર્ન કમાન્ડના વડાએ તાગ મેળવ્યો હતો.
મિઝોરમ બોર્ડર પર હાઈ-લેવલ મીટિંગ
બાંગ્લાદેશની વણસતી જતી સ્થિતિની ગંભીરતાને જોતા ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આર. સી. તિવારીએ સરહદી વિસ્તારોનો પ્રવાસ ખેડ્યો હતો. તેમણે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે બાંગ્લાદેશ સીમાની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સેના કમાન્ડરે મિઝોરમના પરવા વિસ્તારમાં કાર્યરત આસામ રાઈફલ્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના ઓપરેટિંગ બેઝની મુલાકાત લીધી હતી.
લેફ્ટનન્ટ જનરલ આર. સી. તિવારીએ BSF અને આસામ રાઈફલ્સના અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં બોર્ડર મેનેજમેન્ટ, આધુનિક સુપરવિઝન સિસ્ટમ અને કોઈપણ કટોકટીના સમયે ત્વરિત પ્રતિસાદ આપવા માટેની સૈનિકોની સજ્જતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ સાથે ઈસ્ટર્ન કમાન્ડના વડાએ વર્તમાન સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે લેવાયેલા પગલાંઓની ઝીણવટભરી વિગતો મેળવી હતી.
બાંગ્લાદેશમાં કેમ વધ્યો તણાવ?
ભારત વિરોધી નેતા અને કટ્ટરપંથી ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેમાં ગુરુવારે સિંગાપુરમાં હાદીનું અવસાન થયું છે. 12 ડિસેમ્બરે ઢાકામાં હુમલાખોરોએ તેમને ગોળી મારી દીધી હતી. સોમવારે એમ્બ્યુલન્સ દ્વારા હાદીને એરલિફ્ટ કરીને સિંગાપુર લઈ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જેને લઈને બાંગ્લાદેશમાં હિંસા ભડકી હતી.
બાંગ્લાદેશમાં ભડકેલી હિંસા વચ્ચે એક હિંદુ વ્યક્તિની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. અગાઉ ભારતીય હાઈ કમિશન પર હુમલાના પ્રયાસો અને મોટા પાયે ભારત વિરોધી સૂત્રોચ્ચારોની ઘટનાઓ પણ બની હતી. આ તણાવપૂર્ણ માહોલમાં સરહદ પારથી કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે અરાજકતા ભારતમાં ન પ્રવેશે તે માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ 24 કલાક સતર્ક છે.
આ પણ વાંચો…બાંગ્લાદેશની ‘નાપાક’ હરકત: બંગાળની ખાડીમાં ભારતીય માછીમારો પર હુમલો, દરિયાઈ માર્ગે તણાવ વધ્યો…



