વાયુસેનાને 114 નવા રાફેલ ફાઈટર જેટની જરૂર, શું સરકારી મંજૂરી મળશે?

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂરમાં પોતાની ક્ષમતા વિશ્વને બતાવી છે, જ્યાં તેના વિમાનોએ પાકિસ્તાની અને ચીનના વિમાનોને પડકાર આપ્યો હતો. આ ઓપરેશનમાં રાફેલ વિમાનોની મહત્વની ભૂમિકા રહી હતી.
જેણે આતંકવાદી ઠેકાણાઓને ચોક્કસ નિશાન બનાવ્યા. જોકે, આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે વાયુસેના પાસે ફાઇટર જેટ્સની સંખ્યા ઓછી છે, જે આગામી સમયમાં યુદ્ધના સંજોગોમાં પડકારજનક સ્થિતિ ઊભી થઈ શકે છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે વાયુસેનાએ સરકારને 114 મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA) પ્રોજેક્ટ હેઠળ નવા રાફેલ વિમાનો પૂરા પાડવાની વિનંતી કરી છે. આ પ્રોજેક્ટ લાંબા સમયથી અટકેલો છે અને તેમાં મોટા ભાગના વિમાનો વિદેશી સહાયથી દેશમાં જ બનાવવાના છે.
વાયુસેનાનું માનવું છે કે ફ્રાન્સ સાથે સીધી વાતચીતથી આ વિમાનો મેળવવા વધુ સરળ અને ફાયદાકારક રહેશે, જેથી તેમની ક્ષમતા ઝડપથી વધે.
આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો એસેપ્ટન્સ ઓફ નેસેસિટી (AoN) છે, જેને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. અહેવાલો અનુસાર એક કે બે મહિનામાં આ નિર્ણય લેવાઈ શકે છે.
વાયુસેના ઇચ્છે છે કે નવા વિમાનો શક્ય તેટલા વહેલા તેમના કાફલામાં સમાવેશ થાય, કારણ કે MiG-21 જેવા જૂના વિમાનો આવતા મહિને નિવૃત્ત થઈ રહ્યા છે, જેથી વિમાનોની સંખ્યા ઘટી શકે છે.
વાયુસેના હવે 5મી પેઢીના અદ્યતન ફાઇટર વિમાનોની પણ માંગ કરી રહી છે, જેમાં રશિયાના સુખોઈ-57 અને અમેરિકાના F-35 જેવા વિમાનોનો વિકલ્પ છે. જોકે, આ અંગે હજુ કોઈ ઔપચારિક ચર્ચા શરૂ થઈ નથી.
2016માં ભારતે 59,000 કરોડ રૂપિયાના સોદાથી 36 રાફેલ વિમાન મેળવ્યા હતા, જે વાયુસેનાની તાકાત વધારી છે. પાકિસ્તાને ઓપરેશનમાં 6 ભારતીય વિમાનો તોડી પાડવાનો દાવો કર્યો હતો, પરંતુ ભારતે તેને નકારી કાઢ્યો છે.
આ પણ વાંચો…ઓપરેશન સિંદૂરઃ રાફેલ અંગે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો કંપનીએ કર્યો ખુલાસો…