આતંકવાદ સામે ભારતનું વૈશ્વિક અભિયાન: સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાનને ખુલ્લું પાડશે

નવી દિલ્હી: સરહદ પારના આતંકવાદનો ભોગ બની રહેલ ભારત હવે પોતાના સાંસદો દ્વારા સમગ્ર વિશ્વને આતંકવાદ પરના પોતાના વલણથી પરિચિત કરાવશે. આ માટે સરકાર સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ મોકલવાની યોજના બનાવી રહી છે. આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ પણ સામેલ થશે.
કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ ચોક્કસ તેમાં ભાગ લેશે. જો કે સરકાર તરફથી આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કોંગ્રેસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ સાથે વાત કરી છે.
આપણ વાંચો: એન્કાઉન્ટર વખતે માતાએ આતંકવાદી દીકરાને કહ્યું સરેન્ડર કરી દે, પણ માન્યો નહીં, જુઓ વીડિયો
શા માટે સરકારે ભર્યું આ પગલું?
સમગ્ર વિશ્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવાનો ઉદ્દેશ્ય સરહદ પારના આતંકવાદના પીડિત તરીકે ભારતના પક્ષને મજબૂત કરવાનો છે.
હાલ મળી રહેલી વિગતો અનુસાર સરકાર ટૂંક સમયમાં જ વિશ્વના દેશોમાં સાંસદોના પ્રતિનિધિમંડળને મોકલી શકે છે. માનવામાં આવે છે કે પાકિસ્તાન સાથેના સંઘર્ષ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દ્વિપક્ષીય મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : કર્નલ સોફિયા દેશ કી બેટી કે આતંકવાદીઓની બહેન?
પહેલીવાર સરકારનો અનોખો પ્રયાસ
એવી પણ વિગતો છે કે વિદેશ મંત્રાલય અને અન્ય મંત્રાલયો તથા વિભાગો વાતચીતના મુદ્દાઓ તૈયાર કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે વિવિધ દેશોમાં ભારતીય રાજદ્વારી મિશન પણ આ પ્રયાસોને આગળ વધારશે. આ પહેલીવાર હશે જ્યારે કેન્દ્ર સરકાર તરફથી આતંકવાદ પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે ઘણા પક્ષોના સાંસદો વિવિધ દેશોની મુલાકાત લેશે.
ઓપરેશન સિંદૂર વિશે અપાશે માહિતી
સૂત્રોના જણાવ્યા અનુસાર સાંસદો પહેલગામ આતંકી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા, પાકિસ્તાનમાં આતંકીઓને ટ્રેનિંગ આપનારા કેન્દ્રોની ભૂમિકા વિશે વિગતવાર જણાવશે.
આ સાથે જ સાંસદોનું પ્રતિનિધિમંડળ એ પણ જણાવશે કે ઓપરેશન સિંદૂર હેઠળ કઈ રીતે તેણે માત્ર આતંકી માળખાને નિશાન બનાવીને કાર્યવાહી કરી હતી. પરંતુ પાકિસ્તાને ભારતના સૈન્ય અને નાગરિક ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા શરૂ કરી દીધા હતા.