નેશનલ

ભારતમાં ચોમાસાને લઈ અમેરિકાએ આપ્યા રાહતના સમાચાર; કહ્યું અલ નીનો….

નવી દિલ્હી: ભારતમાં નૈઋત્યના ચોમાસાને લઈને એક રાહતના સમાચાર છે. કારણ કે આ વર્ષે ભારતના ચોમાસા પર અલ નીનોની અસર નહિ જોવા મળે. ભારતનું હવામાન વિભાગ ચોમાસા અંગેની આગાહી વ્યક્ત કરે તે પૂર્વે અમેરિકા સ્થિત નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ શુક્રવારે અલ નીનોની શક્યતાને નકારી કાઢી હતી.

અલ નીનોની શક્યતાને નકારી

મળતી વિગતો અનુસાર આ વર્ષે ભારતના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર સાનુકૂળ અસર થવાની સંભાવના છે, કારણ કે અમેરિકા સ્થિત નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ શુક્રવારે અલ નીનોની શક્યતાને નકારી કાઢી હતી. તેમની આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ચોમાસાની ઋતુ માટે લાંબા ગાળાની આગાહી જાહેર કરવા માટે ફક્ત એક અઠવાડિયાનો જ સમય બાકી છે. IMD એ આ મહિનાની શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે આગામી ચોમાસા દરમિયાન અલ નિનોની સ્થિતિ બનશે નહીં.

શું છે આ સ્થિતિ?

તમને જણાવી દઈએ કે અલ નીનો સધર્ન ઓસિલેશન (ENSO) એક સમુદ્રી-આબોહવાની ઘટના છે, જે વૈશ્વિક વાતાવરણીય પરિભ્રમણને પ્રભાવિત કરવામાં સક્ષમ માનવામાં આવે છે. ENSO ના ત્રણ તબક્કા છે. ગરમ સ્થિતિ (અલ નીનો), તટસ્થ સ્થિતિ અને ઠંડી સ્થિતિ (લા નીના)

આ પણ વાંચો: રાજધાની બની ‘ધૂંધળી’: દિલ્હી-એનસીઆરમાં ધૂળની આંધીથી વાતાવરણ પલટાયું

ભારત માટે કેમ મહત્વપૂર્ણ?

આ ઘટના ખાસ કરીને ભારતના જૂન-સપ્ટેમ્બર ચોમાસાની ઋતુને અસર કરે છે. ભારતમાં લગભગ 70% વરસાદ આ ચાર મહિના દરમિયાન પડે છે, જે ખરીફ પાકની વાવણી, જળાશયોના રિચાર્જિંગ અને એકંદર અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. NOAA ના એપ્રિલના અહેવાલ મુજબ, ઉત્તરી ગોળાર્ધમાં આ ઉનાળાની ઋતુ દરમિયાન ENSO તટસ્થ પરિસ્થિતિઓ ચાલુ રહેશે. ઓગસ્ટ-ઓક્ટોબર 2025 દરમિયાન ENSO તટસ્થ રહેવાની શક્યતા 50 ટકાથી વધુ છે.

હવે IMDની આગાહી પર છે સૌની નજર

નોંધનીય છે કે લા નીના ચોમાસા પર સકારાત્મક અસર કરે છે, જેના કારણે સામાન્ય અથવા વધુ વરસાદ પડે છે. તે જ સમયે, અલ નીનો ઓછા વરસાદ અથવા દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સાથે સંકળાયેલો છે. જોકે, ઘણા વર્ષોથી ENSO તટસ્થ પરિસ્થિતિઓ દરમિયાન ભારતમાં સામાન્ય અથવા સરેરાશથી વધુ વરસાદ નોંધાયેલો છે. આ સકારાત્મક સંકેતથી ખેડૂતો અને નીતિ નિર્માતાઓને મોટી રાહત મળી છે. બધાની નજર હવે આગામી સપ્તાહમાં IMD દ્વારા જાહેર કરવામાં આવનાર ઔપચારિક આગાહી અહેવાલ પર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button