ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: હવે ટૂંક સમયમાં થઈ શકે છે અંતિમ સહમતિ, અમેરિકી પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી અટવાયેલી વેપાર સમજૂતી (Trade Deal) પર હવે ટૂંક સમયમાં સહમતિ સધાય તેવી પ્રબળ સંભાવના બની રહી છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પણ આ દિશામાં સંકેત આપ્યા છે.
ટ્રમ્પે હાલમાં જ જણાવ્યું કે ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગેની વાતચીત સાચી દિશામાં છે અને તેને જલદી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ અંગે ચર્ચાને આગળ વધારવા માટે અમેરિકી પ્રતિનિધિમંડળની એક ટીમ આવતા અઠવાડિયે ભારતની મુલાકાત લેવા આવી રહી છે.
અમેરિકાના મુખ્ય પ્રવક્તા બ્રેન્ડન લિન્ચની સાથે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ રિક સ્વિટ્ઝર પણ ભારત આવી રહ્યા છે. અહીં તેઓ વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ સાથે મુલાકાત કરશે. માનવામાં આવે છે કે આ મહત્વપૂર્ણ બેઠક બાદ બંને દેશ વચ્ચેની ટ્રેડ ડીલને આખરી ઓપ આપી દેવામાં આવશે.
આપણ વાચો: ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ‘ટ્રેડ ડીલ’: વિદેશી ફર્મનો ટેરિફ મુદ્દે મોટો દાવો
બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચેની ત્રણ દિવસીય બેઠક 10 ડિસેમ્બરના રોજ શરૂ થશે અને 12 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ બેઠકમાં અમેરિકા તરફથી ભારત પર લગાવવામાં આવેલા ટેરિફમાં ઘટાડો કરવાના મુદ્દા પર પણ ચર્ચા થવાની આશા છે.
ભારત અને અમેરિકા વચ્ચે આ વેપાર સમજૂતી ઘણા મહિનાઓથી અટકેલી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટ 2025માં રશિયન તેલ ખરીદવાને કારણે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેના પછી ભારત પર કુલ 50 ટકા ટેરિફનો બોજ થઈ ગયો હતો.
અમેરિકાના આ નિર્ણય બાદથી જ બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલને લઈને સહમતિ બની શકી નહોતી. જોકે, ત્યારબાદ અમેરિકી અધિકારીઓએ 16 ડિસેમ્બરના ભારતની મુલાકાત લીધી હતી અને 22 સપ્ટેમ્બરના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ વેપાર વાર્તા માટે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો.
આપણ વાચો: કવર સ્ટોરી: ખેંચતાણ ખેડૂતો માટે? લો, ભારત અને અમેરિકા વચ્ચે સોદાબાજી તો વોટબેન્ક માટે!
હવે બંને દેશો તરફથી ટ્રેડ ડીલને ફાઇનલ કરવા માટે સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ટૂંક સમયમાં જ ભારત સાથે એક સારી ડીલ ‘લૉક’ કરવા જઈ રહ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ વેપાર સમજૂતી પર જલ્દી વાત બનવાના સંકેત આપ્યા હતા.
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે હાલમાં જ જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો મુદ્દો ઉકેલાઈ જશે, જેનાથી ભારતીય નિકાસકારો માટે ટેરિફનો મુદ્દો હળવો થશે. કેટલીક બ્રોકરેજ ફર્મ પણ અનુમાન લગાવી રહી છે કે અમેરિકા ભારત પરના ટેરિફમાં ઘટાડો કરશે. નિષ્ણાંતોના અનુમાન પ્રમાણે અમેરિકા ભારત પર આશરે 20 ટકા ટેરિફ રાખી શકે છે.



