ભારત આત્મનિર્ભર દેશ બની ગયો છે: અમેરિકાના 50% ટેરિફનો પીયૂષ ગોયલે આપ્યો જવાબ…

નવી દિલ્હી: અમેરિકાએ ભારત પર લાદેલા 50 ટકા ટેરિફથી સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સાથોસાથ ભારત-અમેરિકા વચ્ચે સ્થપાયેલા વર્ષો જૂના સંબંધો પર નકારાત્મક અસર પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
આવા સમયે દેશના કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ભારતને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું આહ્વાન કર્યું છે. એક ઇન્ટરવ્યુમાં પીયૂષ ગોયલે જણાવ્યું છે કે, ‘હજારો વર્ષોથી પરિવર્તનનો અનુભવ કરતું ભારત હવે એક આત્મનિર્ભર દેશ બની ગયો છે.’
વૈશ્વિક વિકાસમાં ભારતનું 16 ટકા યોગદાન
તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે મીડિયાને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “ભારત દર વર્ષે 6.5 ટકાના વૃદ્ધિ દર સાથે વધી રહ્યું છે. ભારત એક મજબૂત અને આત્મવિશ્વાસી દેશ છે. કેન્દ્ર સરકાર વેપારમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે પહેલા જ અનેક પગલાં ભરી ચૂકી છે.
આ વર્ષે ભારતની નિકાસ પાછલા વર્ષ કરતા વધારે હશે. ભારત આજે વૈશ્વિક વિકાસમાં 16 ટકાનો ફાળો આપી રહ્યો છે. વિશ્વમાં હવે ડિગ્લોબલાઈઝેશન નથી થઈ રહ્યું. પરંતુ દેશ હવે પોતાના વ્યાપારિક રસ્તે અને ભાગીદારોને ફરીથી નક્કી કરી રહ્યો છે.”
50 લાખ લોકોને પરોક્ષ રીતે રોજગાર
યુરોપીય મુક્ત વેપાર સંગઠનના(ઈએફટીએ) દેશો અંગે પીયુષ ગોયલે જણાવ્યું કે, “ભારતને માત્ર ટેરિફમાં જ છૂટ નથી જોઈતી. પરંતુ દેશ હવે રોકાણ અને રોજગાર પર પણ ફોકસ કરી રહ્યો છે. આપણે હવે ચાર ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી છીએ અને દુનિયાની સૌથી વધારે ઝડપે વધનારી અર્થવ્યવસ્થા છીએે.
ભારતમાં સૌથી વધારે યુવાનો છે. જ્યારે અન્ય દેશોમાં વયોવૃદ્ધ લોકોની સંખ્યા વધારે છે. ઈએફટીએ દેશ ભારતમાં 100 અરબ ડોલરનું રોકાણ કરશે. જેનાથી ભારતમાં 10 લાખ પ્રત્યક્ષ રીતે અને 50 લાખ લોકો પરોક્ષ રીતે રોજગાર મેળવશે. આ કરાર 1 ઓક્ટોબરથી લાગૂ પડશે.”
ટેરિફ અંગે અમેરિકા સાથે વાટાઘાટો થશે
પિયુષ ગોયલે કહ્યું કે “ભારત ટૂંક સમયમાં યુએઈ, મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા, યુકે, યુરોપિયન યુનિયન, ચિલી, પેરુ, ન્યુઝીલેન્ડ અને અમેરિકા જેવા દેશો સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યું છે. જોકે, અમેરિકા સાથે હજુ સુધી વેપાર કરાર થઈ શક્યો નથી. પરંતુ ઓમાન અને યુરોપિયન યુનિયન સાથે વાતચીત આગળના તબક્કામાં છે.
આ સાથે, ચિલી, પેરુ, ન્યુઝીલેન્ડ જેવા દેશો સાથે મુક્ત વેપાર કરાર (FTA) માટે પણ કામ ચાલી રહ્યું છે. ઓગસ્ટના મધ્યમાં અમેરિકી અધિકારીઓની એક ટીમ ટેરિફ અંગે અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે ભારત આવશે. ભારત આ વાતચીતને સકારાત્મક દિશામાં આગળ વધારશે. ભારત વિકસિત દેશો સાથે એવા વેપાર સંબંધો ઇચ્છે છે જે પૂરક હોય અને જોખમી ન હોય.”
ભારત દરેક અગ્નિપરીક્ષામાં સફળ થશે
1999ના Y2K કટોકટીનો ઉલ્લેખ કરતા પિયુષ ગોયલે જણાવ્યું કે “તે સમયે અટલ બિહારી વાજપેયી સરકારે IT ક્ષેત્રને સ્વતંત્રતા આપી હતી, જેના કારણે આજે આ ઉદ્યોગ ૩૦૦ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ભારત હજારો વર્ષોથી પરિવર્તનનો અનુભવ કરી રહ્યું છે અને હવે તે એક આત્મનિર્ભર દેશ બની ગયો છે. ભારત દરેક અગ્નિપરીક્ષામાં સફળ થશે અને દરેક સંકટને તકમાં ફેરવશે.”