ભારત-યુએસના સંબંધોનો અંત આવી ગયો છે! વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતે આવો દાવો કેમ કર્યો? | મુંબઈ સમાચાર
નેશનલ

ભારત-યુએસના સંબંધોનો અંત આવી ગયો છે! વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતે આવો દાવો કેમ કર્યો?

મુંબઈ: ડોનાલ્ડ ટ્રમ્પ ગત જાન્યુઆરી મહિનામાં બીજી વાર યુએસના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને યુએસ વચ્ચે વર્ષોથી સારા સંબંધોમાં તિરાડ આવી છે, દિવસેને દિવસે આ તિરાડ વધુ પહોળી થઇ રહી છે. ભારત પર યુએસએ ભારે ટેરીફ લાદ્યો છે, જે ઘટાડવા અંગે બંને દેશો વચ્ચેના વાટાઘાટો નિષ્ફળ જઈ રહ્યા છે.

એવામાં ટ્રમ્પે ભારતના પાડોશી ચીન પર રહેમનજર દાખવી છે, ચીન પર 10 ટકા ટેરિફ ઘટાડવામાં આવ્યો અને ખનીજ સોદો પણ કર્યો. એવામાં નિષ્ણાતોએ જણાવી રહ્યા છે કે હવે યુએસ-ભારતના સંબંધો પડી ભાંગ્યા છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં વ્યૂહાત્મક બાબતોના એક નિષ્ણાતે લખ્યું છે કે હવે ભારત-અમેરિકા સંબંધો હવે સમાપ્ત થઈ ગયા છે. ટ્રમ્પે જાણી જોઈને આ સંબંધો કાપી નાખ્યા છે. આ હકીકત આપણને ક્યારે સમજાશે? આપણે ટ્રમ્પના ખોટા વખાણ અને અતિશયોક્તિમાં એટલા ખોવાઈ ગયા છીએ કે આપણે ભૂલી જ ગયા છીએ કે હવે બંને દેશો વચ્ચે કોઈ વ્યૂહાત્મક સંબંધ રહ્યો નથી. આપણે હજુ કેટલાક આર્થિક સંબંધોને બચાવી શકીએ છીએ.

તેમણે લખ્યું કે, “ જો આપણે આવું વિચારી રહ્યા છીએ કે એક વર્ષમાં બંને દેશો વચ્ચે સંબંધ પહેલા જેવો જ થઇ જશે, તો આપણે આપણી જાતને છેતરી રહ્યા છીએ. અમેરિકા-ભારત વચ્ચેની વાર્તા પૂરી થઈ ગઈ છે. ટ્રમ્પે જાણી જોઈને આ સંબંધ તોડી નાખ્યો છે, હવે આપણે તેનાથી આગળ વધી જવું જોઈએ.”

ભારત પર વધતું દબાણ:

નોંધનીય છે, ટ્રમ્પ સતત દબાણ કરી રહ્યા છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખીરદી બંધ કરે, ટ્રમ્પે ભારત પર વધારાનો 25% ટેરીફ પણ લાદ્યો છે. યુએસે રશિયાને બે ક્રૂડ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લગાવતા, ભારતને સાસ્તા ભાવે મળતો ક્રૂડ ઓઈલ જથ્થો બંધ થઇ ગયો છે. હવે ભારતને મોંઘુ ક્રૂડ ઓઈલ ખરીદવું પડશે.

આ પણ વાંચો…પરમાણુ યુદ્ધનું જોખમ! ટ્રમ્પે તાત્કાલિક પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ હાથ ધરવાનો આદેશ આપ્યો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button