ભારત અને યુ.કે. એ FTA કરાર પર કર્યા હસ્તાક્ષર: PM Modiએ જણાવ્યા કરારના ફાયદા...

ભારત અને યુ.કે. એ FTA કરાર પર કર્યા હસ્તાક્ષર: PM Modiએ જણાવ્યા કરારના ફાયદા…

લંડન: ચાર દિવસના વિદેશ પ્રવાસે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે યુ.કે. ખાતે પહોંચ્યા છે. તેમણે યુ.કે.ના વડા પ્રધાન સાથે એક ઐતિહાસિક કરાર કર્યો છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રે઼ડ એગ્રીમેન્ટ(FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારના ફાયદા શું છે? એ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે.

ભારતીય ઉત્પાદનોને બ્રિટનમાં મળશે સારું માર્કેટ
ફ્રી ટ્રે઼ડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આ કરાર માત્ર આર્થિક કરાર નથી, પરંતુ બંને દેશ વચ્ચેની સમૃદ્ધિનો રોડમેપ છે. આ કરારથી ભારતના ખેડૂતો, માછીમારો, એમએસએમઈ એકમો તથા વિવિધ ઉદ્યોગોને સીધો લાભ થશે. ભારતીય કપડાં, બુટ-ચંપલ, રત્ન અને ઘરેણા, સી ફૂડ અને ઇજનેરી વસ્તુઓને બ્રિટનમાં વધુ સારું માર્કેટ મળશે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, “આ સિવાય ભારતની ખેત-પેદાશો અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગને પણ બ્રિટનમાં નવી તકો મળશે. ભારતના લોકો અને ઉદ્યોગ ક્ષેત્રને હવે બ્રિટનમાં નિર્માણ પામેલા ઉચ્ચ ગુણવત્તાવાળા મેડિકલ ઉપકરણો વાજબી અને સસ્તા ભાવે મળી રહેશે. જેથી આરોગ્ય ક્ષેત્રની વેગની સાથોસાથ ટેક્નોલોજી ટ્રાન્સફર અને નવીનતાને પણ પ્રોત્સાહન મળશે.”

બ્રિટન માટે ભારત સાથેનો મહત્ત્વપૂર્ણ કરાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરતા કહ્યું હતું કે, બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના લોકો બંને દેશો વચ્ચેનો જીવંત સેતુ સમાન છે. તેઓની રચનાત્મકતા, પ્રતિબદ્ધતા અને ચરિત્રનો પ્રભાવ બ્રિટનની અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ, રમતગમત અને સાર્વજનિક સેવામાં સ્પષ્ટપણે દેખાય છે.

ઉલ્લેખનીય છે કે, બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે પીએમ મોદીના નેતૃત્વ અને વ્યવહારિકતાની પ્રશંસા કરવાની સાથોસાથ ફ્રી ટ્રે઼ડ એગ્રીમેન્ટને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ કરાર ભારતના ઈતિહાસનો સૌથી વ્યાપક કરારો પૈકીનો એક કરાર છે. યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડ્યા બાદ યુ.કે.નો આ સૌથી મોટો અને મહત્ત્વપૂર્ણ આર્થિક વ્યાપારી કરાર છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button