ભારતમાં વાઘના મોતનો ચોંકાવનારો ખુલાસો: પચાસ ટકાથી વધુ મૃત્યુ અભયારણ્યોની બહાર!

નવી દિલ્હીઃ ભારતમાં 2021થી લઇને અત્યાર સુધી જેટલા પર વાઘના મોત થયા છે, જેમાંથી અડધાથી વધુ મોત ટાઈગર રિઝર્વની બહાર થયા છે. આમાંથી સૌથી વધુ વાઘના મોતના કેસ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં નોંધાયા છે, એમ એક અહેવાલમાં જણાવ્યું હતું.
2025માં અત્યાર સુધીમાં 108 વાઘ મૃત્યુ પામ્યા
ધ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ) અનુસાર, 2021 થી 2025 સુધીમાં કુલ 667 વાઘ મૃત્યુ પામ્યા છે, જેમાંથી 341 એટલે કે 51 ટકા મૃત્યુ વાઘ અભયારણ્યની બહાર થયા છે. દર વર્ષની વાત કરીએ તો 2021માં 129 વાઘના મોત થયા છે. 2022માં 122, 2023માં 182, 2024માં 126 અને 2025માં અત્યાર સુધીમાં 108 વાઘ મૃત્યુ પામ્યા છે. આમાંથી 2021માં વાઘ અભયારણ્યની બહાર 64 વાઘના મૃત્યુ થયા હતા. તે સિવાય 2022માં 52, 2023માં 100, 2024માં 65 અને 2025માં અત્યાર સુધીમાં 60 વાઘના મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં વાઘ અભયારણ્યની બહાર સૌથી વધુ 111 વાઘના મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ મધ્ય પ્રદેશમાં આવા 90 મૃત્યુ નોંધાયા છે.
આ પણ વાંચો: ટાઈગર સ્ટેટ મધ્ય પ્રદેશમાં થયા વાઘના સૌથી વધુ મોત, પર્યાવરણ મંત્રાલય ચિંતિત…
2021માં મહારાષ્ટ્રમાં 23 વાઘના મૃત્યુ
2021માં મહારાષ્ટ્રમાં 23, મધ્ય પ્રદેશમાં 18, કેરળમાં 5 અને તેલંગણામાં 4 વાઘના મૃત્યુ અભયારણ્યની બહાર થયા છે. 2022માં મહારાષ્ટ્રમાં 18 વાઘ, મધ્યપ્રદેશમાં 12, અને કેરળ અને ઉત્તરાખંડમાં 4-4 વાઘના મૃત્યુ રિઝર્વ બહાર નોંધાયા હતા. 2023માં મહારાષ્ટ્રમાં 34, મધ્ય પ્રદેશમાં 13, કેરળ અને ઉત્તરાખંડમાં 11-11 અને કર્ણાટકમાં 6 વાઘના મૃત્યુ ટાઈગર રિઝર્વની બહાર થયા હતા. 2024માં મધ્ય પ્રદેશમાં 24 અને મહારાષ્ટ્રમાં 16 વાઘ મૃત્યુ ટાઈગર રિઝર્વની બહાર થયા હતા.
2024 સુધી 1,519 વાઘ મૃત્યુ પામ્યા
2025માં અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 20, મધ્યપ્રદેશમાં 13, કેરળમાં 8 અને કર્ણાટકમાં 7 વાઘના મૃત્યુ રિઝર્વની બહાર થયા હતા. એનટીસીએના આંકડાઓ પરથી જાણવા મળે છે કે 2012 થી 2024 સુધી કુલ 1519 વાઘ મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 634 અથવા 42 ટકા મૃત્યુ વાઘ અભયારણ્યની બહાર નોંધાયા હતા. હાલમાં ભારતમાં અંદાજિત 3682 વાઘમાંથી લગભગ 30 ટકા વાઘ અભયારણ્યની બહાર રહે છે.
આ પણ વાંચો: શોકિંગઃ મહારાષ્ટ્રના ટાઈગર રિઝર્વમાં બે દિવસમાં બે વાઘનાં મોત
ભારતમાં મધ્ય પ્રદેશમાં 785 વાઘ
આ વિસ્તારોમાં માનવ અને વાઘ વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે સરકાર ટૂંક સમયમાં ‘ટાઈગર્સ આઉટસાઇડ ટાઇગર રિઝર્વ’ (ટીઓટીઆર) નામની યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ 17 રાજ્યોના 80 વન વિભાગોને આવરી લેવામાં આવશે. 2022માં કરવામાં આવેલી વાઘ ગણતરી મુજબ, મધ્ય પ્રદેશમાં 785, કર્ણાટકમાં 563, ઉત્તરાખંડમાં 560, મહારાષ્ટ્રમાં 444, તમિલનાડુમાં 306, આસામમાં 229, કેરળમાં 213 અને ઉત્તર પ્રદેશમાં 205 વાઘ છે.
વાઘની 7 પ્રજાતિઓનું રક્ષણ કરવાનો હેતુ
ઈન્ટરનેશનલ ટાઈગર ડે પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે મંગળવારે જણાવ્યું હતું કે 24 દેશો આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ (આઇબીસીએ)માં જોડાવા સહમત થયા છે. આ ભારતના નેતૃત્વ હેઠળની એક વૈશ્વિક પહેલ છે, જેનો હેતુ વાઘની સાત પ્રજાતિઓનું રક્ષણ કરવાનો છે. આઇબીસીએની સત્તાવાર વેબસાઇટ અનુસાર, હાલમાં 12 દેશો આ સંગઠનના સભ્યો છે. તેમાં ભારત, આર્મેનિયા, ભૂટાન, કંબોડિયા, ઇથોપિયા, એસ્વાતિની, ગિની, લાઇબેરિયા, નિકારાગુઆ, રવાન્ડા, સોમાલિયા અને સુરીનામનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: શોકિંગઃ મહારાષ્ટ્રમાં બાવીસ દિવસમાં 11 વાઘનાં મોત, વાઈલ્ડલાઈફ લવર્સ ચિંતામાં
2014માં ભારતમાં 46 વાઘ અભયારણ્ય હતા
તેમણે કહ્યું હતું કે 2014માં ભારતમાં 46 વાઘ અભયારણ્ય હતા, પરંતુ હવે તેમની સંખ્યા વધીને 58 થઈ ગઈ છે. જે દેશના રાષ્ટ્રીય પ્રાણીના રક્ષણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે રાષ્ટ્રવ્યાપી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. આ અંતર્ગત દેશના તમામ 58 ટાઈગર રિઝર્વમાં એક લાખથી વધુ છોડ વાવવામાં આવશે.