ભારતે હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું કર્યું બંધ, જાણો હકીકત?

ભારતે હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું કર્યું બંધ, જાણો હકીકત?

નવી દિલ્હી: રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ભારતને ફળ મળી ગયું છે. એક રીતે જોવા જઈએ તો રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ઓઇલ ખરીદવું હવે ભારતને મોંઘુ પડ્યું છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના કારણોસર અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. ત્યારે હવે ભારતની સરકારી રિફાઈનરીઓએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યું હોવાની વાત સામે આવી છે.

ભારત શોધી રહ્યું છે રશિયન ક્રૂડ ઓઇલનો વિકલ્પ
આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પ (BPCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ (HPCL) અને મેંગલોર રિફાઇનરી પેટ્રોકેમિકલ લિમિટેડ (MRPL) જેવી સરકારી રિફાઇનરીઓએ છેલ્લા એક અઠવાડિયાથી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કોઈ નવો સોદો કર્યો નથી.

જોકે, આ સરકારી કંપનીઓ અને કેન્દ્રીય ઓઇલ મંત્રાલય તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, રશિયન ક્રૂડ ઓઇલનો વિકલ્પ શોધતા, આ સરકારી કંપનીઓએ હવે મધ્ય પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના તેલ ગ્રેડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં અબુ ધાબીનું મુર્બન ક્રૂડ અને પશ્ચિમ આફ્રિકાનું ક્રૂડ તેલ મુખ્ય છે.

ખાનગી કંપનીની ખરીદી યથાવત
ભારતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયરા એનર્જી જેવી ખાનગી કંપનીઓ હજુ પણ રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી રહી છે. જોકે, ભારતમાં કુલ રિફાઇનિંગ ક્ષમતા 5.2 મિલિયન બેરલ પ્રતિ દિવસના 60 ટકાથી વધુ સરકારી રિફાઇનરીઓના નિયંત્રણમાં છે. 2025ના પહેલા ભાગમાં, ભારતે દરરોજ સરેરાશ 1.8 મિલિયન બેરલ રશિયન તેલ આયાત કર્યું હતું, જેમાંથી લગભગ 40 ટકા સરકારી રિફાઇનરીઓ દ્વારા ખરીદવામાં આવ્યું હતું.

ટ્રમ્પની ધમકીની અસર
આંતરરાષ્ટ્રીય મીડિયાના એક અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી અને રશિયા દ્વારા આપવામાં આવતા ડિસ્કાઉન્ટમાં ઘટાડો થવાને કારણે, ભારતીય સરકારી રિફાઇનરીઓએ છેલ્લા એક અઠવાડિયાથી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે. ટ્રમ્પે 14 જુલાઈએ ધમકી આપી હતી કે રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ કરાર ન થાય ત્યાં સુધી રશિયન ક્રૂડ ખરીદનારા દેશો પર 100 ટકા ટેરિફ લાદી શકાય છે.

ક્રૂડ ઓઇલ વેપાર થશે મોટી અસર
ઉલ્લેખનીય છે કે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર અને દરિયાઈ માર્ગે આવતા રશિયન ક્રૂડનો સૌથી મોટો ખરીદદાર છે. ત્યારે સરકારી કંપનીઓ દ્વારા લેવાયેલું આ પગલું આંતરરાષ્ટ્રીય રશિયન ક્રૂડ ઓઇલ વેપાર પર મોટા પાયે અસર કરી શકે છે.

આ પણ વાંચો…રશિયાની સરકારી એરલાઈન એરોફ્લોટ પર સાયબર એટેલ, 100 વધુ ફ્લાઈટો થઈ રદ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button