ભારતે પેલેસ્ટાઇનને પણ સાથ આપવો જોઇએ: કોંગ્રેસ સાંસદ શશી થરુર
નવી દિલ્હી: ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ દિવસ થઇ ગયા છે. ત્યારે વૈશ્વિક સ્તરે આ મુદ્દે અનેક નિવેદનો આવી રહ્યાં છે. એમાં ભારત પણ અપવાદ નથી. ભારજ અને કોંગ્રેસ આ યુદ્ધ અંગે અનેક વિધાનો કરી રહ્યાં છે. ભાજપે ઇઝરાયેલને સપોર્ટની જાહેરાત કરી ત્યાં કોંગ્રેસ પેલેસ્ટાઇનની તરફેણમાં વિધાનો કરી રહી છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના યુદ્ધામાં ભારતમાં ભાજપ-કોંગ્રેસ વિવાદ શરુ થઇ ગયો છે. ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરુરનું એક વિધાન હાલ ચર્ચામાં છે. ભારતે પેલેસ્ટાઇનને પણ સાથ આપવો જોઇએ એમ શશી થરુરે કહ્યું છે.
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડા પ્રધાન બેંજામીન નેત્યાનાહૂ વચ્ચે ટેલિફોનીક ચર્ચા થઇ હતી. તે વખતે નેત્યાનાહૂએ ફોન પર હાલમાં ઇઝરાયેલમાં શું પરિસ્થિતી છે તે અંગે વાત કરી હતી. ત્યારે વડા પ્રધાન મોદીએ નેત્યાનાહૂને કહ્યું કે આ મૂશ્કેલ પરિસ્થિતીમાં ભારત તમારી સાથે છે. અમે કોઇ પણ પ્રકારના આંતકવાદના વિરોધી છીએ. ત્યારે એક ટીવી ચેનલ સાથે વાત કરતી વખતે કોંગ્રેસના સાંસદ શશી થરુરે ભારતે પેલેસ્ટાઇનને પણ સાથ આપવો જોઇએ એમ કહ્યું હતું.
આ અંગે વાત કરતા શશી થરૂરે કહ્યું કે, હમાસ આ સંગઠન પેલેસ્ટાઇનનું પ્રતિનિધિત્વ નથી કરતી. પેલેસ્ટાઇનના જે મુદ્દા છે એ પણ ભારતે સમજી લેવા જોઇએ. અને તેમનો પણ સાથ આપવો જોઇએ. અગાઉ ભાજપે કોંગ્રેસ પર આ પક્ષ આંતકવાદીઓનું સમર્થન કરનારો છે અને વોટબેન્કનું રાજકારણ કરનારો પક્ષ છે એવી ટીકા કરી હતી. ત્યાર બાદ શશી થરુરે આ નિવેદન કર્યું છે.
શરૂઆતમાં જ કોંગ્રેસે કહ્યું હતું કે, પેલેસ્ટાઇનના લોકોની જમીન પર થનારો કબજો, ગાઝાપટ્ટી પર થનારો હુમલો, એ જગ્યાએ સીઝફાયર થવું જોઇએ. તથા ઇઝરાયેલ અને હમાસના સંઘર્ષનો સામાન્ય લોકો ભોગ બની રહ્યાં છે એમ કહીને તેમના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. આ આખી વાતનો વહેલી તકે ઉકેલ લાવવો જોઇએ એમ પણ કોંગ્રેસે કહ્યું હતું. ત્યારે હવે શશી થરુરે ભારતે પેલેસ્ટાઇનને પણ સાથ આપવો જોઇએ એવું વિધાન કર્યું છે.