
નવી દિલ્હી: ભારતના અર્થતંત્રનું કદ જેમ જેમ મોટું થઇ રહ્યું છે તેમાં ઉર્જાની જરૂરીયાત પણ સતત વધી રહી છે, જેને પહોંચી વળવા ભારતમાં કોલસાના ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તાજેતરના એક અહેવાલ મુજબ કોલસાના વાર્ષિક ઉત્પાદનની બાબતે ભારત વિશ્વમાં બીજા ક્રમે આવી ગયું છે. ભારતે અમેરિકા, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને પાછળ છોડી દીધા છે, જ્યારે ચીન હજુ પણ પહેલા ક્રમે છે.
એનર્જી ઇન્સ્ટિટ્યૂટના સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ ઓફ વર્લ્ડ એનર્જી 2024ના તાજેતરના રીપોર્ટ મુજબ પહેલા ક્રમે રહેલા ચીનનું વાર્ષિક કોલસા ઉત્પાદન 4780.0 મિલિયન છે, જ્યારે, ભારતનું ઉત્પાદન 1085.1 મિલિયન ટન છે. નોંધનીય છે કે ચીનનું વાર્ષિક કોલસા ઉત્પાદન ભારત કરતા ચાર ગણું છે, જે ચીનની વિશાળ ઔદ્યોગિક ક્ષમતાને દર્શાવે છે.
કોલસાના ઉત્પાદન મામલે ઇન્ડોનેશિયા 836.1 મિલિયન ટન સાથે ત્રીજા નંબરે છે, અને યુએસ 464.6 મિલિયન ટન સાથે ચોથા નંબરે છે. ઓસ્ટ્રેલિયાનું કોલસા ઉત્પાદન 462.9 મિલિયન ટન અને રશિયાનું કોલસા ઉત્પાદન 427.2 મિલિયન ટન છે.
રીપોર્ટ મુજબ કોલસાના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત ઝડપથી આગળ વધી રહ્યું, ભારતનું 1085.1 મિલિયન ટનનું કોલસા ઉત્પાદન દેશનીનાં ઝડપથી વિકસી રહેલા અર્થતંત્ર અને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા દર્શાવે છે. મહત્વની બાબત એ પણ છે કે ભારતમાં મોટાભાગની વીજળી કોલસાથી ઉત્પાદિત કરવામાં આવે છે, વીજળીની માંગ વધવાની સાથે કોલસાની માંગ સતત વધી રહી છે.
ઉર્જા ક્ષેત્રોના જાણકારોના મતે કોલસા ઉત્પાદન મામલે ભારતની ક્ષમતામાં થઇ રહેલો વધારો ઉર્જા સુરક્ષા અને ઔદ્યોગિક વિકાસ માટે સારા સંકેત છે. જોકે, પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને વધુ પ્રદુષણ કરતા કોલસા પરની નિર્ભરતા ઓછી કરવા માંગ ઉઠી રહી છે. બીજી તરફ ભારત સરકાર રિન્યુએબલ ઉર્જાનું ઉત્પાદન વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.