નેશનલ

‘દુનિયાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ’: બલુચિસ્તાન આત્મઘાતી હુમલા અંગે પાકિસ્તાનના આક્ષેપોને ભારતે ફગાવ્યા

નવી દિલ્હી: આજે બુધવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ખુઝદાર શહેરમાં સ્કૂલ બસ પર આત્મઘાતી હુમલો (suicide attack on a school bus in Pakistan) થયો હતો, આ હુમલામાં ચાર બાળકો મોત થયા હતાં. પાકિસ્તાને આ હુમલા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના આરોપોને વખોડતા કહ્યું કે પાકિસ્તાન પોતાના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આવી ચાલાકી વાપરી રહ્યું છે. આ સાથે ભારતે પણ આ હુમલામાં થયેલી જાનહાનિ માટે શોક વ્યક્ત કર્યો હતો.

‘દુનિયાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ…’

રણધીર જયસ્વાલે એક નિવેદનમાં જણાવ્યું, “આજે વહેલી સવારે ખુઝદારમાં બનેલી ઘટનામાં ભારતની સંડોવણી અંગેના પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોને ભારત નકારી કાઢે છે. ભારત આ ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કરે છે. જોકે, આતંકવાદના વૈશ્વિક કેન્દ્ર તરીકેની પોતાની છાપ પરથી ધ્યાન હટાવવા અને પોતાની ગંભીર નિષ્ફળતાઓ છુપાવવા માટે પાકિસ્તાન તેના તમામ આંતરિક મુદ્દાઓ માટે ભારતને દોષ આપી રહ્યું છે. વિશ્વને મૂર્ખ બનાવવાનો આ પ્રયાસ નિષ્ફળ જવાનો છે.”

પાકિસ્તાનના ભારત પર આરોપ:

પાકિસ્તાનના સૈન્ય અને વડા પ્રધાન શેહબાઝ શરીફે આ હુમલાની નિંદા કરી અને આ ઘટના માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ભારત પ્રાંતમાં આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. જોકે દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપવામાં આવ્યા ન હતા.

પાકિસ્તાનની અમીએ જણાવ્યું હતું, “ભારત પ્રાયોજિત હુમલાના યોજનાકારો, સહાયકો અને અમલદારોને શોધી કાઢવામાં આવશે અને તેમને સજા કરવામાં આવશે.”

બલુચિસ્તાન પ્રાંતમાં અસ્થિરતા:

બલુચિસ્તાન પ્રાંતના ખુઝદારમાં આર્મી સંચાલિત સ્કૂલ તરફ જઈ રહેલી બસમાં લગભગ 40 વિદ્યાર્થીઓ સવાર હતા, ત્યરે બસમાં વિસ્ફોટ થયો હતો જેમાં 4 બાળકોના મોત થયા હતાં. હજુ સુધી કોઈ જૂથે આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી બલુચિસ્તાનમાં અલગાવવાદી પ્રવૃતિઓ સતત વધતી જાય છે. ગત માર્ચ મહિનામાં અલગાવવાદી આતંકવાદી જૂથ બલોચ લિબરેશન આર્મી(BLA)એ એક ટ્રેન હાઈજેક કરી હતી અને 31 લોકોની હત્યા કરી.

આ પણ વાંચો….પાકિસ્તાનમાં પાણીનો કકળાટ: ગૃહમંત્રીના ઘર પર હુમલો, હિંસક વિવાદે લીધું વિકરાળ સ્વરૂપ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button