ડોનાલ્ડ ટ્રમ્પના દબાણના લીધે નહિ પરંતુ, ભારત આ કારણે અમેરિકન આયાત પર ઘટાડી રહ્યું છે ટેરિફ

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(US Tariff War) દ્વારા ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદવા માટે નક્કી કરાયેલી 2 એપ્રિલની સમય મર્યાદામાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે.
ત્યારે હવે 7 માર્ચે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અમેરિકન આયાત પર ટેરિફ ઘટાડવા માટે સંમત થયું છે. તેમણે આનો શ્રેય તેમના વહીવટીતંત્રને આપ્યો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે આ પગલું એટલા માટે ભર્યું છે કારણ કે કોઈ આ મુદ્દા પર તેને ખુલ્લુ પાડી રહ્યું છે.
આપણ વાંચો: Us Tariff War વચ્ચે ચીને લંબાવ્યો ભારત તરફ હાથ, કહી આ વાત
ભારતે ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો
જોકે, કેન્દ્ર સરકારના માહિતગાર સૂત્રોએ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો છે કે ભારતે તેમના વહીવટીતંત્રના દબાણને કારણે ટેરિફ ઘટાડ્યો છે. સૂત્રો કહે છે કે ભારતે અમેરિકન આયાત પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પના દબાણમાં નહીં પરંતુ બંને દેશો વચ્ચે પૂર્વનિર્ધારિત વેપાર કરારને કારણે લીધો છે. દ્વિપક્ષીય કરારો દ્વારા વિકસિત દેશો સાથે વેપાર સંબંધોને આગળ વધારવાના દેશના વ્યાપક પ્રયાસોના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતે દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ટેરિફ ઘટાડ્યા
આ ઉપરાંત ભૂતકાળમાં પણ ભારતે દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમીરાત, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વે જેવા દેશોથી થતી આયાત પરના ટેરિફ ઘટાડ્યા છે. યુરોપિયન યુનિયન અને યુકે સાથે હાલમાં સમાન કરારો પર વાટાઘાટો ચાલી રહી છે. કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે યુએસ આયાત પર ટેરિફ ઘટાડવા માટે ચાલી રહેલી ચર્ચાઓને આ સંદર્ભમાં જોવી જોઈએ.
દ્વિપક્ષીય વેપાર 118.2 બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યો
રિપોર્ટ અનુસાર, અમેરિકાએ ભારતને કૃષિ ઉત્પાદનો સિવાય લગભગ તમામ માલ પર ટેરિફ દૂર કરવા કહ્યું છે. જો આ માંગણી સ્વીકારવામાં આવે છે. તો તેનો અર્થ એ થશે કે નવી દિલ્હીએ પોતાનું વેપાર રક્ષણ છોડવું પડશે અને બદલામાં તેને કોઈ છૂટ મળશે નહીં. અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ગયા નાણાકીય વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 118.2 બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.