
મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ સ્થિતિમાં મ્યાનમાર દેશની સરકારે મદદ માટે ગુહાર પણ લગાવી છે. ભારત મોટા ભાગે આવી સ્થિતિમાં મદદ માટે તૈયાર રહે છે. આ વખતે પણ ભારતે મ્યાનમારને 15 ટન રાહત સામગ્ર મોકલી છે. હિંડનમાં આવેલા ભારતીય સૈન્ય મથકેથી C-130J વિમાન દ્વારા રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાહત પેકેજમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, પાણી શુદ્ધિકરણ, સ્વચ્છતા કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ અને પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, સિરીંજ, મોજા અને પાટો જેવી આવશ્યક વસ્તુઓનો મોકવામાં આવી રહી છે.
ભારત બંને દેશોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે તૈયારઃ PM મોદી
મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે થયેલા નુકસાન બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘ભારત બંને દેશોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે તૈયાર છે. મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપને પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે હું ચિંતિત છું. હું બધાની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત શક્ય તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે.’
આ પણ વાંચો: મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપથી હાહાકાર, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા; વાંચો લેટેસ્ટ અપડેટ
ભૂકંપના કારણે થાઈલેન્ડમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું
ભૂકંપની વાત કરવામાં આવે તો મ્યાનમારમાં અનેક આંચકા આવ્યાં હતા. જેમાં માત્ર મ્યાનમાર જ નહીં પરંતુ થાઈલેન્ડમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અત્યારે ભૂકંપના કારણે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કારણે કે, હજી પણ અહીં ભૂકંપના આંચકા આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે દિવસે ભૂકંપ આવ્યા બાદ રાત્રે 11 વાગીને 56 મિનિટે ફરી 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના મ્યાનમારના માંડલે શહેરમાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી.
આ પણ વાંચો: ભૂકંપે મ્યાનમાર-થાઈલેન્ડમાં તારાજી સર્જી, ઐતિહાસિક મંદિરો અને બહુમાળી ઈમારતો ધરાશાયી, જુઓ તસવીરો…
સોશિયલ મીડિયામાં ભૂકંપના અનેક વીડિયો પોસ્ટ થયા
મ્યાનમારમાં કાલે અનેક ભૂકંપ આવ્યાં હતા, જેમાં રિક્ટર સ્કેલ પર 7.7 ની તીવ્રતાનો મોટો ભૂકંપ પણ સામેલ હતો. થોડીવાર પછી, 6.4 અને પછી 4.9 ની તીવ્રતાનો ભૂકંપ પણ નોંધાયો હતો. આ ભૂકંપ શુક્રવારે સવારે 11:50 વાગ્યે આવ્યો હતો. આ શક્તિશાળી ભૂકંપ બેંગકોક અને થાઇલેન્ડના ઘણા ભાગોમાં અનુભવાયો હતો. જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો પોસ્ટ થયા છે જેમાં ભૂકંપના કારણે થયેલા નુકસાનનું અનુમાન લગાવી શકાય છે.