
નવી દિલ્હી: ઇન્ડિયા પોસ્ટની સ્પીડ પોસ્ટ સેવા 1 ઓગસ્ટ, 1986 થી કાર્યરત છે. તાજેતરમાં થઈ રહેલા આધુનિકીકરણના ભાગરૂપે સ્પીડ પોસ્ટ સેવામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો કયા કયા છે અને તેની દેશના નાગરિકો માટે કેવી રીતે લાભદાયી રહેશે? આવો જાણીએ. છે.
સ્પીડ પોસ્ટના નિયમોમાં થયો કેવો ફેરફાર
પોસ્ટ વિભાગ દ્વારા ઇનલેન્ડ સ્પીડ પોસ્ટની સેવાઓમાં સુધારા અને ટેરિફમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા વધતા ઓપરેશનલ ખર્ચને પહોંચી વળવા અને ગ્રાહક સુવિધા તથા વિશ્વાસ વધારવાના હેતુથી સ્પીડ પોસ્ટ સેવામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
જેના હેઠળ હવે સ્પીડ પોસ્ટ (દસ્તાવેજો/પાર્સલ) માટે નોંધણી અને OTP આધારિત ડિલિવરી સેવા ઉપલબ્ધ રહેશે. આ માટે પ્રતિ વસ્તુ 5 રૂ. તથા GSTનો ચાર્જ લાગુ થશે. જેથી ડિલિવરી માત્ર અધિકૃત વ્યક્તિને જ મળે તે સુનિશ્ચિત કરી શકાય.
વિદ્યાર્થીઓને ટેરિફ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે નવા જથ્થાબંધ ગ્રાહકોને 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત યુઝર્સને હવે SMS દ્વારા ડિલિવરીની માહિતી, અનુકૂળ ઓનલાઈન બુકિંગ સેવાઓ અને રિયલ-ટાઇમ ડિલિવરી અપડેટ્સ મળશે.
ટેરિફના નવા દરો લાગુ પડશે
ઈન્ડિયા પોસ્ટ દ્વારા છેલ્લે 2012માં ટેરિફમાં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે 13 વર્ષ બાદ નવા દરો લાગુ કરવામાં આવ્યા છે. આ નવા દર હેઠળ 50 ગ્રામ સુધીના માલ માટે સ્થાનિક ડિલિવરીનો ચાર્જ 19 રૂ. અને દૂરના અંતર માટે 47 રૂ. રહેશે. આ જ રીતે, વજન પ્રમાણે જુદા જુદા અંતર માટેના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબના વિકલ્પો પ્રદાન કરશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા પર આ પગલાંને આવકાર્યું છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ગતિ, સલામતિ અને સ્માર્ટનેસ સાથે ભારતીય પોસ્ટ વિકસી રહી છે.
1 ઓક્ટોબર 2025થી સ્પીડ પોસ્ટ, OTP- આધારિત ડિલીવરી, વૈકલ્પિક નોંધણી અને GST પૃથ્થકરણની સાથે પારદર્શક દરો લઈને આવશે. તેજી ભી તસલ્લી ભીને દરેક ઘરે પહોંચાડતા ભારતીય પોસ્ટ 167થી વધુ વર્ષોની વિરાસત નાગરિકોને અભૂતપૂર્વ રીતે જોડે છે. આ પ્રગતિનું નેતૃત્ત્વ કરવા પર ગર્વ છે.
આ પણ વાંચો…ઓગસ્ટ મહિનાના અંત સાથે ઇન્ડિયા પોસ્ટની આ સર્વિસ બંધ થશે; આ કારણે લેવાયો નિર્ણય…