
નવી દિલ્હી : કેરળમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે. ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ છે. જેમાં હિમાચલમાં ગત મોડી સાંજે વાદળ ફાટ્યું હતું. આ ઉપરાંત દેશના અનેક રાજયોમાં વરસાદના લીધે જનજીવનને ભારે અસર જોવા મળી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને ધ્યાનમાં રાખીને અનેક રાજ્યોમાં લોકોને ચેતવણી આપી છે તેમજ રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપી છે.
કેરળના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળમાં ચોમાસુ સમય પહેલા આવતા રાજયના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયા છે. જેના કારણે અનેક ઘરો અને પાકને ભારે નુકસાન થયું છે. જ્યારે અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાના આગમન સાથે કેરળમાં ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. આગામી થોડા દિવસો માટે રાજ્યના ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
કન્નુર અને કાસરગોડ જિલ્લામાં રેડ એલર્ટ
કેરળના કન્નુર અને કાસરગોડ જિલ્લામાં રેડ એલર્ટ અને રાજ્યના બાકીના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રવિવાર માટે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ અને નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે કેરળના 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને બાકીના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં વરસાદ ચાલુ રહેશે
જ્યારે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે ઉત્તર પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, ગાજવીજ અને વીજળી પડવાની પણ શક્યતા છે. તેમજ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 27 થી 30 મે દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે.
દિલ્હી-એનસીઆરમાં વરસાદની આગાહી
દિલ્હી-એનસીઆરમાં છેલ્લા ઘણા દિવસોથી અહીં સતત પડી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. ગઈકાલે રાત્રે પણ દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ નોંધાયો હતો ભારે વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
રાજસ્થાનના આગામી 4 દિવસમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
જોકે, રાજસ્થાનના ઘણા ભાગોમાં હજુ હીટવેવની સ્થિતિ છે. શનિવારે અહીં ઘણી જગ્યાએ મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. બાડમેરમાં સૌથી વધુ 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગોમાં તાપમાનમાં વધુ વધારો થવા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
અજમેર, જયપુર, કોટા વિભાગોમાં મહત્તમ તાપમાન 45 થી 47 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની આગાહી છે અને આગામી 2-3 દિવસ સુધી કેટલાક સ્થળોએ હીટવેવની આગાહી છે. જોકે, પૂર્વીય પવનો સક્રિય થવાને કારણે, આગામી 4-5 દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં સાંજે વાવાઝોડા સાથે વરસાદ અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી
શનિવારે સાંજે હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો શિમલાના રામપુરમાં પણ વાદળ ફાટવાની ઘટના નોંધાઈ છે, જેના કારણે ઘણું નુકસાન થયું છે. રામપુર નજીક જગતખાનામાં વાદળ ફાટ્યું હતું, જેમાં ઘણા વાહનો તણાઈ ગયા હોવાની આશંકા છે. વહીવટીતંત્રે નદી કિનારે રહેતા લોકોને એલર્ટ કર્યા છે. તેમજ સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિક હવામાન કેન્દ્રે 27 અને 28 મેના રોજ તમામ 12 જિલ્લાઓમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 25 અને 26 મેના રોજ સિરમૌર, સોલન, શિમલા, મંડી, કુલ્લુ, કાંગડા અને ચંબા જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો…આજે ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના, આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર…