
નવી દિલ્હી: ભારત સરકાર નાગરિકોને આપવામાં આવતા દરેક ડૉક્યુમેન્ટને સમયાંતરે અપડેટ કરતી રહે છે. સરકાર દ્વારા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડને અપડેટ કરવામાં આવ્યા છે. આ જ શ્રેણીમાં હવે પાસપોર્ટનો સમાવેશ પણ થઈ ગયો છે. ભારત સરકાર દ્વારા પાસપોર્ટ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી છે અને અવનવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. અપડેટ થયા બાદ દરેક નવા પાસપોર્ટ હવે ઈ-પાસપોર્ટ બનશે.
ઈ-પાસપોર્ટની ખાસિયત
ભારત સરકારના વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સિસ્ટમને અપગ્રેડ કરીને ઈ-પાસપોર્ટ રજૂ કર્યો છે. આ પાસપોર્ટ અત્યાધુનિક સિક્યોરિટી ફિચર્સથી સજ્જ હશે, તેમાં ઇન્ટરલોકિંગ માઇક્રોલેટર્સ, રીલિફ ટિંટ્સ અને RFID ચિપ લાગેલી હશે. આ ચિપમાં એન્ક્રિપ્ટેડ બાયોમેટ્રિક્સ ડેટા અને બીજી માહિતી હશે.

વેરિફિકેશનની પ્રક્રિયા પણ ઝડપી બનશે
દરેક ઈ-પાસપોર્ટ રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન ચિપ અને એન્ટેના સાથે હશે. તેમાં યુઝર્સનો બાયોમેટ્રિક્સ અને પર્સનલ ડેટા એન્ક્રિપ્શન સાથે સચવાશે, જેમાં યુઝર્સનો ફોટો અને ફિંગરપ્રિંટ જેવી માહિતી પણ હશે. કોન્ટેક્ટલેસ ડેટા રીડિંગની ક્ષમતાના કારણે ઇમિગ્રેશન કાઉન્ટર પર વેરિફિકેશનની પ્રક્રિયા પણ ઝડપી બનશે.
નોન-ઇલેક્ટ્રોનિક પાસપોર્ટનું શું થશે?
ઈ-પાસપોર્ટના કારણે ફ્રોડ અને ટેમ્પરિંગ જેવા કેસોમાં ઘટાડો થશે. વિદેશ મંત્રાલય દ્વારા અત્યારસુધી 80 લાખ ઈ-પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જ્યારે વિદેશમાં ભારતીય મિશનોના માધ્યમથી 60,000થી વધુ ઈ-પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જોકે, જૂના નોન-ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ તેની એક્સાપાયર ડેટ સુધી માન્ય ગણાશે ત્યાર બાદ ઈ-પાસપોર્ટ કઢાવવો પડશે.
આ પણ વાંચો…ભારતમાં બ્લ્યુ સિવાય સફેદ, મરુન અને ઓરેન્જ કલરના પાસપોર્ટ કેમ હોય છે? કોને મળે છે કયો પાસપોર્ટ?



